નર્મદા જિલ્લામાંથી એક ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે. ડેડિયાપાડા તાલુકાની મોસ્કુટ આશ્રમશાળામાં એકસાથે 11 જેટલા બાળકો અચાનક ધુણવા લાગતા આખી શાળામાં અને ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અચાનક બનેલી ઘટનાને કારણે શિક્ષકો અને સંચાલકોમાં દોડધામ થઈ ગઈ હતી.
108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા બાળકો
ઘટનાની ગંભીરતા જોતા શાળાના સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ બાળકોને સારવાર માટે સૌપ્રથમ ડેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ અને સારવાર માટે તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગની આશંકા, પણ લક્ષણો ન મળ્યા
આ ઘટનાની શરૂઆતમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન સામે આવ્યું કે, બાળકોને ઝાડા, ઉલ્ટી કે પેટમાં દુખાવા જેવી કોઈ જ તકલીફ કે ફરિયાદ ન હતી. જેના કારણે આ ઘટના પાછળ કોઈ માનસિક કે અન્ય કારણ હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
https://twitter.com/sandeshnews/status/2101163745942937610
શિક્ષકોનો આંતરિક વિખવાદ અને ગ્રામજનોની ચિંતા
આ રહસ્યમય ઘટના પાછળ શાળાના શિક્ષકો વચ્ચે ચાલી રહેલો આંતરિક વિખવાદ પણ હાલ ચર્ચાના એરણે ચડ્યો છે. સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે કે, શિક્ષકોના આંતરિક વિવાદોને કારણે માસૂમ બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર માઠી અસર ન પડે.
ઘટનાના ખુલાસા અને સમય
મહત્વની વાત એ છે કે, આ ચોંકાવનારી ઘટના ગત 9 તારીખના રોજ બની હતી, પરંતુ તેના વિશેના ખુલાસા અને વિગતો હવે સામે આવી રહી છે, જેને લઈને વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
https://twitter.com/sandeshnews/status/2101164087308873869
ધૂણવા પાછળના અલગ-અલગ દૃષ્ટિકોણ
- ધાર્મિક અને આસ્થાળુ માન્યતા: ઘણા લોકો માને છે કે શરીરમાં કોઈ દેવી, દેવતા, શક્તિ કે આત્માનો પ્રવેશ થવાથી વ્યક્તિ ધૂણે છે
- વૈજ્ઞાનિક અને તબીબી દ્રષ્ટિકોણ: વિજ્ઞાન અને મનોચિકિત્સકોના મત મુજબ, ધૂણવું એ કોઈ દૈવી શક્તિ નથી, પરંતુ એક માનસિક સમસ્યા, હિસ્ટરીયા કે સ્ટ્રેસનું પરિણામ છે
- અંધશ્રદ્ધા કે દેખાડો: ઘણા કિસ્સાઓમાં આ માત્ર એક ઢોંગ, ધતિંગ કે માન્યતાઓનો લાભ લેવા માટેનું માધ્યમ હોય છે
આ પણ વાંચો: Narmada: દેડિયાપાડાની સરકારી કૉલેજમાં હિન્દી દિવસની ઉજવણી