ગુજરાતના નર્મદા જિલ્લા સ્થિત વિશ્વપ્રસિદ્ધ એકતા નગર ખાતે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગ માળખાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય 'ચિંતન શિબિર 2026'નો 5 ઓક્ટોબરથી ભવ્ય પ્રારંભ થયો છે. 5 અને 6 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારી આ ઉચ્ચસ્તરીય શિબિરમાં દેશભરના હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ, પ્રોજેક્ટ ડિલિવરીમાં આવતા અવરોધો, સલામતી તેમજ નવીન ટેકનોલોજીના અમલીકરણ અંગે વ્યાપક મંથન હાથ ધરવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મુખ્ય સંબોધન
શિબિરના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તેમજ રાજ્ય મંત્રી અજય તમટા અને હર્ષ મલ્હોત્રાએ દેશમાં ગુણવત્તાસભર, ટકાઉ અને સમયબદ્ધ માર્ગ નિર્માણ પર વિશેષ ભાર મૂક્યો હતો.આ કોન્ક્લેવમાં વિવિધ રાજ્યોના માર્ગ પરિવહન અને જાહેર બાંધકામ (PWD) મંત્રીઓ, રાજ્ય સરકારોના અધિક મુખ્ય સચિવો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તેમજ પ્રોજેક્ટ અમલીકરણ એજન્સીઓના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. આ પ્લેટફોર્મ થકી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન વધુ સુદ્રઢ બનશે અને ક્ષેત્ર સ્તરના વ્યવહારુ પડકારોનો ઉકેલ લાવવામાં મદદ મળશે.
