સંસ્કારી નગરી વડોદરાના ગોરવા વિસ્તારમાંથી સગીર વયના કિશોરોમાં વધતી જતી હિંસક માનસિકતા દર્શાવતી એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. શાળા સમયની એક વર્ષ જૂની સામાન્ય બોલાચાલીની અદાવત મનમાં રાખીને ત્રણ કિશોરોએ એક સગીર વિદ્યાર્થીને "સમાધાન કરી લઈએ" તેમ કહીને એકાંત સ્થળે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેના પર ચાકુ તેમજ ચામડાના પટ્ટા વડે જીવલેણ હુમલો કરી લોહીલુહાણ કરી દેતાં ચકચાર મચી ગઈ છે.
એક વર્ષ જૂના સ્કૂલના ઝઘડાનું રાખ્યું હતું વેર
પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીર વિદ્યાર્થી અને હુમલો કરનાર કિશોરો વચ્ચે આશરે એક વર્ષ પૂર્વે શાળામાં કોઈ સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. સમય જતાં મામલો શાંત પડી ગયો હોવાનું ભોગ બનનાર વિદ્યાર્થી માનતો હતો, પરંતુ સામે પક્ષે રહેલા સગીરોએ તે તકરારની અદાવત મનમાં પાળી રાખી હતી અને બદલો લેવાની ફિરાકમાં હતા.
સમાધાનના બહાને બોલાવી ઘાતક હુમલો કર્યો
હુમલાખોર ત્રણેય સગીરોએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે વિદ્યાર્થીનો સંપર્ક સાધ્યો હતો અને જૂનો વિવાદ ભૂલીને સમાધાન કરી લેવાની વાત કરી ગોરવા વિસ્તારમાં મળવા બોલાવ્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી કોઈ પણ શંકા વિના તેમની વાતમાં આવીને પહોંચ્યો હતો.વિદ્યાર્થી સ્થળ પર પહોંચતાં જ ત્રણેય સગીરોએ અચાનક ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. વાત પલટાતાં જ હુમલાખોરોએ પોતાની પાસે છુપાવી રાખેલું તીક્ષ્ણ ચાકુ અને કમરના પટ્ટા કાઢી વિદ્યાર્થી પર બેફામ હુમલો કરી દીધો હતો. હુમલામાં વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતાં તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો.
ગોરવા પોલીસે ત્રણેય સગીરોની કરી અટકાયત
બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો.પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ હુમલો કરનાર ત્રણેય સગીર કિશોરોની અટકાયત કરી લીધી છે. તમામ સગીર વયના હોવાથી કાયદાકીય પ્રક્રિયા અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરીને તેમને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Amreli News: મેલુ ઉપાડવાના નિવેદન સામે શંકરસિંહ વાઘેલા સામે ફરિયાદ, જાણો કેમ ખેડૂતો રોષે ભરાયા