વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ની આસપાસના વિસ્તારોમાં જમીનોના ભાવો આસમાને પહોંચ્યા છે, ત્યારે ગરુડેશ્વર ખાતે સરકારી પ્લોટ મેળવીને નિયમોનું ઉલ્લંઘન કરનારા ઉચ્ચ સરકારી બાબુઓ સામે સરકારે લાલઆંખ કરી છે. ગરુડેશ્વર ખાતે અગાઉ સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી અને વહીવટી શરતોને આધીન ઉચ્ચ અધિકારીઓને રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.

કોર્ટનો સ્ટે પરત ખેંચાતા તંત્રની મોટી જીત

જોકે, આ જમીન ફાળવણીની મૂળભૂત શરતોનો સરેઆમ ભંગ થતો હોવાનું માલૂમ પડતાં સરકારે તમામ બાંધકામો તોડી પાડવાનો કડક આદેશ કર્યો હતો, જે અંતર્ગત છેલ્લા 5 દિવસથી સતત ડિમોલિશન ચાલી રહ્યું છે.આ વિવાદિત પ્લોટ ધારકો પૈકીના 13 અધિકારીઓમાંથી 6 અધિકારીઓએ સરકારની નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કર્યું ન હતું, જેથી તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરીને તે પ્લોટો અગાઉ જ સરકારી હસ્તક કરી લીધા હતા.

ભૂમાફિયાઓ અને વગદાર લોકોમાં ભારે ફફડાટ

બાકીના અધિકારીઓ પૈકી 5 જણાના બંગલા અગાઉ જ તોડી પડાયા હતા. જ્યારે બે ઉચ્ચ અધિકારીઓ આર. વી. બારિયા અને લક્ષ્મણસિંહ ડિંડોર કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવી લાવ્યા હોવાથી તંત્રના હાથ બંધાયેલા હતા. પરંતુ તાજેતરમાં જ આ સ્ટે ઓર્ડર પરત ખેંચાતા (ખાલી થતા) નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ભારે પોલીસ બંદોબસ્ત અને જેસીબી (JCB) મશીનો સાથે ગરુડેશ્વર ખાતે તૂટી પડ્યું હતું અને બંને બાકી રહેતા મકાનોને પણ જમીનદોસ્ત કરી દીધા છે. આ કાર્યવાહીથી સરકારી નિયમોનો ભંગ કરનારા અન્ય ભૂમાફિયાઓ અને વગદાર લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Gonadal: ગુંદાળા ગામે આપઘાતનો કેસ મર્ડરમાં પલટાયો, માતા-પિતાએ જ દીકરાને પતાવી દીધો