નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના નવસર્જિત જિલ્લા પ્રમુખના સન્માન અને અભિવાદન અર્થે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમના મંચ પરથી જ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ભારે ગુસ્સે ભરાયા હતા અને પક્ષના સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારો સામે આકરા પ્રહારો કર્યા હતા. સાંસદે જાહેરમાં દાવો કર્યો હતો કે તેમની પાસે એવી ચોક્કસ માહિતી છે કે ભાજપમાં સત્તા પર બેઠેલા કેટલાક સ્થાનિક આગેવાનો સરકારી તલાટીઓને હપ્તા આપી રહ્યા છે. તેમણે અકળાઈને સવાલ ઉઠાવ્યો હતો કે શું ભાજપે આવા ભ્રષ્ટ અને ખોટા લોકોને પક્ષમાં ચલાવી લેવાના છે?

રાજપીપળામાં સાંસદ મનસુખ વસાવાનો વિસ્ફોટ

પોતાના સંબોધનમાં મનસુખ વસાવાએ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસકામોની નબળી ગુણવત્તા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો ભાજપ શાસિત પાલિકામાં ગુણવત્તા વગરનું હલકું કામ થશે તો વિરોધ પક્ષોને આપોઆપ મુદ્દો મળી જશે, તેથી કામ ભાજપવાળા ભલે કરે પણ ક્વોલિટીમાં કોઈ બાંધછોડ ન હોવી જોઈએ. આ સાથે જ તેમણે પક્ષમાં રહીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે દોસ્તી રાખતા નેતાઓને આડેહાથ લીધા હતા. તાજેતરમાં આપ વાળા અંબાજી રથ લઈને ચાલતા નીકળ્યા હતા અને તેમનું સ્વાગત કરવા ભાજપના જ આગેવાનો દોડી ગયા હોવાનો પર્દાફાશ કરી તેમણે કહ્યું હતું કે, ભાજપમાં રહીને આપ-કોંગ્રેસને મદદ કરવાનો આ ખેલ હવે નહીં ચાલે.

ભાજપમાં રહી આપ અને કોંગ્રેસને મદદ કરવાનું બંધ કરો

ડેડિયાપાડા વિધાનસભા બેઠકનો ઉલ્લેખ કરતા સાંસદ વસાવાએ અત્યંત ગંભીર આરોપ મૂક્યો હતો કે, વિધાનસભામાં આપના ચેતર વસાવા જીત્યા, તો તેમને જીતાડનારા પણ આપણા ભાજપના જ કેટલાક ગદ્દાર લોકો હતા. અમે પક્ષ માટે રાત-દિવસ લડીએ છીએ અને ભાજપના જ કેટલાક હોદ્દેદારો વિરોધીઓ સાથે સેટિંગ રાખીને બેઠા છે. સાંસદે મંચ પરથી ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું હતું કે, આવા બેવડા વલણથી ભાજપ ક્યારેય સફળ નહીં થાય. જે લોકોને મારી વાતથી ખોટું લાગતું હોય તેઓ આજે જ ભાજપમાંથી નીકળી જાય, પણ મનસુખ વસાવા આવી ગદ્દારી અને ગેરરીતિઓ બિલકુલ ચલાવી લેશે નહીં.
આ પણ વાંચો: Ahmedabad: વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રસિકોને સરળ અને સીધી એન્ટ્રી મળે તે માટે ડિજિટલ ટોકન સિસ્ટમ અમલી કરાઈ