નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ કુનબાર ઈકો ટુરિઝમ નજીક એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. ઈકો ટુરિઝમથી માત્ર 100 મીટરના અંતરે આવેલા એક ખેતરના કૂવામાં અચાનક દીપડો ખાબક્યો હતો. કૂવામાં દીપડો પડવાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં કૂતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો.
ખેડૂતની સતર્કતા અને વનવિભાગનું ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન
ખેતરમાં આવેલા કૂવામાં દીપડો પડ્યો હોવાની જાણ થતાં જ સ્થાનિક ખેડૂતે ત્વરિત સતર્કતા દાખવીને વનવિભાગને સમગ્ર બાબતની જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને વનવિભાગની ટીમ તાત્કાલિક જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ગણતરીના સમયમાં જ કૂવામાંથી દીપડાને સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
