નવસારી શહેરમાં જળબંબાકાર અને વાહનવ્યવહારની સમસ્યા ઉકેલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મોટું અને નિર્ણાયક પગલું ભરવામાં આવ્યું છે. નવસારીના જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણીના સીધા આદેશ બાદ તંત્રે લાલ આંખ કરીને કુદરતી કાંસ પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું છે. કલેક્ટરની આ આક્રમક કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને ગેરકાયદે કબ્જો જમાવનારાઓમાં ભારે ફાડ પડી છે.

નિરાલી હોસ્પિટલ નજીક ગેરકાયદે બાંધકામ દુર કરાયું

આ સમગ્ર કાર્યવાહી નવસારીની પ્રખ્યાત નિરાલી હોસ્પિટલ નજીકના વિસ્તારમાં કરવામાં આવી છે. જ્યાં કુદરતી રીતે વહેતા પાણીના માર્ગ એટલે કે, કાંસ ઉપર લાંબા સમયથી ગેરકાયદે પાકા અને કાચા બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા. તંત્રની ટીમ દ્વારા જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ દબાણોને એક જ ઝાટકે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે, અને મોટા પાયે ડિમોલેશન હાથ ધરીને કુદરતી કાંસને સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે.

Navsari News: Demolition Drive by Collector, Near Nirali Hospital Clears Natural Drain

પાણી ભરાવાની અને નેશનલ હાઈવેના ટ્રાફિકની ગંભીર સમસ્યા

કુદરતી કાંસનો માર્ગ ગેરકાયદે બાંધકામોના કારણે રૂંધાઈ જતાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલમાં ભારે અવરોધ ઊભો થતો હતો. આ પાણી આગળ ન જઈ શકવાને કારણે સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર ભરાઈ જતું હતું. ચોમાસામાં હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ થઈ જતો હતો, જેનાથી હજારો વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.

Navsari News: Demolition Drive by Collector, Near Nirali Hospital Clears Natural Drain

સ્થાનિકોની લાંબા સમયની માંગણીનો આવ્યો ઉકેલ

નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ અને પાણી ભરાવાની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા લાંબા સમયથી આ ગેરકાયદે બાંધકામો હટાવી કુદરતી કાંસ ખુલ્લી કરવાની માગ કરવામાં આવી રહી હતી. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કામગીરી બાદ હવે વરસાદી પાણીનો સુચારુ નિકાલ થશે, જેથી આગામી સમયમાં નેશનલ હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવત ચાલુ રહેશે, અને સ્થાનિકોને જળબંબાકારની સમસ્યામાંથી કાયમી રાહત મળશે.


આ પણ વાંચો - Navsari: સુપાના ગુરુકુળમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ની ઉજવણી