નવસારી શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ખાદ્ય સુરક્ષા વિભાગે લાલ આંખ કરી છે. નવસારી શહેરના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરની વિવિધ હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની આ અચાનક કાર્યવાહીથી ભેળસેળિયા અને બેદરકાર વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

ગંદકી અને વાસી ખોરાક મળતા 4 હોટેલોને કરાઈ સીલ

તપાસ દરમિયાન શહેરની કેટલીક જાણીતી હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં અત્યંત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. કિચન વિસ્તારમાં અસ્વચ્છતા અને આરોગ્ય માટે હાનિકારક હોય તેવા અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. નિયમોનું ધજાગરા ઉડાવતી આવી ગંભીર બેદરકારી સામે ફૂડ વિભાગે કડક વલણ અપનાવીને ગંદકી ધરાવતી શહેરની 4 હોટેલોને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે.

Navsari News: Food Department Action: 4 Hotels Sealed, 80 kg Unhealthy Food Destroyed

80 કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ કરાયો નાશ

ચકાસણી દરમિયાન હોટેલોના રસોડામાંથી વાસી, દુર્ગંધ મારતો અને આરોગ્ય માટે નુકસાનકારક એવો અંદાજે 80 કિલો જેટલો અખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે આ તમામ ખરાબ ખોરાકનો સ્થળ પર જ નાશ કરીને તેને કચરામાં ફેંકાવી દીધો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે અને લોકોના આરોગ્ય સાથે રમત રમનારાઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી બાદ ખાદ્ય સામગ્રી વેચનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Navsari News: Food Department Action: 4 Hotels Sealed, 80 kg Unhealthy Food Destroyed


આ પણ વાંચો - Navsariના દરિયામાં જયમાલા બોટ ડૂબી, 9 માછીમારોનું હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યુ