નવસારીના કૃષ્ણપુર ગામની અને મહારાષ્ટ્રમાં નોંધાયેલી ‘જયમાલા’ નામની બોટ દરિયામાં ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બોટ નવસારીના ધોલાઈ બંદરથી નીકળીને વલસાડ તરફ જઈ રહી હતી, ત્યારે કિનારાથી આશરે 2.5 નોટિકલ માઈલ દૂર દરિયાના ઊંડા પાણીમાં અચાનક ડૂબવા લાગી હતી. આ ઘટના સમયે બોટમાં કૃષ્ણપુર ગામના કુલ 9 માછીમારો (ખલાસીઓ) સવાર હતા, જેમનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો.

કલેક્ટરની સક્રિયતા અને કોસ્ટગાર્ડનું તાત્કાલિક એરલિફ્ટ ઓપરેશન

બોટ ડૂબવાનો ઇમરજન્સી કોલ મળતાં જ નવસારી જિલ્લા વહીવટી તંત્ર તુરંત એક્શન મોડમાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કે NDRF ની મદદથી હાથ ધરાયેલું રેસ્ક્યુ ઓપરેશન નિષ્ફળ જતાં, જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) ની મદદ માંગવામાં આવી હતી. સ્થિતિની ગંભીરતા જોઈને કોસ્ટગાર્ડે સહેજ પણ વાર કર્યા વિના હેલિકોપ્ટર મારફતે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

તમામ 9 માછીમારોનો આબાદ બચાવ, રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ

કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા ડૂબી રહેલી બોટમાંથી તમામ 9 માછીમારોને સફળતાપૂર્વક એરલિફ્ટ કરી લેવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા તમામ ખલાસીઓને વલસાડના દાંતી અને ભાગડા દરિયાકિનારે સુરક્ષિત રીતે ઉતારી દેવાયા છે. તંત્ર અને કોસ્ટગાર્ડની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી છે અને હાલ તમામ માછીમારો હેમખેમ તથા સંપૂર્ણ સુરક્ષિત હોવાથી આ સફળ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Rajkotમાં ભેળસેળિયા તત્વો સામે SOGની મોટી કાર્યવાહી, ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો