નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ ખાતે આજે સવારે એક અત્યંત કરુણ અને કંપારી છૂટી જાય તેવી વીજ દુર્ઘટના ઘટી છે. પોતાના રોજિંદા જીવનનિર્વાહ માટે લાકડા કાપવાના કામકાજ અર્થે નીકળેલા મજૂરો કાળનો ભોગ બન્યા છે.
ગણદેવામાં પુલ પર લટકતો જીવંત વીજતાર કાળ બન્યો
મળતી અદ્યતન વિગતો મુજબ, કુલ 9 જેટલા શ્રમિકો 'છોટા હાથી' (માલવાહક ટેમ્પો) માં સવાર થઈને ગણદેવા ગામના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પુલ પરથી પસાર થતી મુખ્ય વીજ લાઇનનો જીવંત વીજતાર અત્યંત નીચો લટકી રહ્યો હતો. ટેમ્પો પુલ પરથી પસાર થતાં જ આ હાઇવોલ્ટેજ વાયર 'છોટા હાથી' ટેમ્પોના ઉપરના ભાગને અડી ગયો હતો. વાહન લોખંડનું હોવાથી ક્ષણવારમાં જ આખા ટેમ્પોમાં કાળજાળ વીજપ્રવાહ દોડી ગયો હતો.
3 ના સ્થળ પર મોત, 3 ઈજાગ્રસ્ત અને 3 નો ચમત્કારિક બચાવ
વીજપ્રવાહ એટલો ભયાનક હતો કે ટેમ્પોમાં સવાર 3 મજૂરોના ઘટનાસ્થળે જ તડપી-તડપીને કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ૩ મજૂરો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ ભયાનક આંચકા વચ્ચે ૩ મજૂરોનો ચમત્કારિક બચાવ થયો છે, જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
કેબિનેટ મંત્રી નરેશ પટેલ હોસ્પિટલ દોડ્યા
ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મંત્રીએ સારવાર હેઠળ રહેલા ત્રણેય મજૂરોના ખબર-અંતર પૂછ્યા હતા અને હાજર તબીબોને તેમને શ્રેષ્ઠ અને વિનામૂલ્યે સારવાર આપવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત, મંત્રીએ અકાળે જીવ ગુમાવનારા મૃતક મજૂરોના શોકગ્રસ્ત પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. પુલ પર નીચો લટકતો જીવંત વીજતાર હોવા છતાં વીજ કંપની (DGVCL) દ્વારા યોગ્ય જાળવણી ન કરાઈ હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Bharuch: કસકની ન્યુ નવી નગરીમાં કમ્પાઉન્ડ વોલ ધરાશાયી, 5 મોપેડ કાટમાળ નીચે દબાયા