નવસારી જિલ્લામાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ અને ખાસ કરીને વાંસદાના સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કરીને મોટો રાજકીય ગરમાવો લાવી દીધો છે. જાહેરમાં એક જ મંચ પરથી આકરા તેવર બતાવતાં હર્ષ સંઘવીએ વિપક્ષી નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે રાજનીતિ પોતાની જગ્યાએ છે, પરંતુ તેના કારણે વાંસદાના આદિવાસી ભાઈ-બહેનોના હિત અને વિકાસકાર્યોને સહેજ પણ નુકસાન પહોંચવું ન જોઈએ. વિકાસની પરિયોજનાઓમાં બિનજરૂરી રાજકીય રોડાં નાખવાની અને આંદોલનોના નામે રોકટોક કરવાની માનસિકતા છોડવા તેમણે વિપક્ષને સીધી ચેતવણી આપી હતી.

‘વાંસદાના આદિવાસીઓને નુકસાન થાય તેવું ન કરવું’

 તેમણે જણાવ્યું હતું કે સરકાર આદિવાસી પટ્ટામાં છેવાડાના માનવી સુધી રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવા સતત કાર્યરત છે. આવા સમયે માત્ર રાજકીય રોટલા શેકવા માટે લોકહિતના કામોમાં વિઘ્નો ઊભાં કરવા તે લોકશાહીનું અપમાન છે.વાંસદાના જાગૃત આદિવાસી ભાઈ-બહેનો વિકાસ ઈચ્છે છે. કોઈ પણ પ્રકારના રાજકીય સ્વાર્થ ખાતર તેમને મળનારા લાભો કે સુવિધાઓ અટકે તેવી નકારાત્મક રાજનીતિમાં કોઈએ જોડાવું ન જોઈએ. વિરોધ માત્ર વિરોધ ખાતર કરવાને બદલે પ્રજાના કલ્યાણમાં સહભાગી થવાની સલાહ આપતાં તેમણે કહ્યું કે, “રાજનીતિ રાજનીતિની જગ્યા પર છે, પરંતુ રાજનીતિ થકી પ્રજાનું અહિત ક્યારેય ન થવું જોઈએ.”

‘ભગવાન વિપક્ષને સદબુદ્ધિ આપે’: સંઘવીની પ્રાર્થના

પોતાના વક્તવ્યમાં હર્ષ સંઘવીએ કટાક્ષ કરતાં કહ્યું કે, વાંસદાની પવિત્ર ધરતી સૌને અને ખાસ કરીને વિપક્ષી નેતાઓને સદબુદ્ધિ આપે જેથી તેઓ વિકાસની ગતિમાં ભાગીદાર બને, નહીં કે અવરોધક.તળિયે જઈને કામ કરવાને બદલે માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વિકાસ પ્રોજેક્ટોનો વિરોધ કરવાની પ્રવૃત્તિ સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.જાહેર મંચ પરથી અપાયેલી આ ખુલ્લી ટકોરને પગલે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: Vadodara: જેલમાં હોવા છતાં પાપના ઘડા ફૂટી રહ્યા છે! પાનસુરિયા બંધુઓ સામે વધુ 10 કરોડની ઠગાઈનો ધડાકો