વડોદરા શહેર સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં આકર્ષક વળતર આપતી લોભામણી સ્કીમોના નામે સેંકડો રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર કુખ્યાત ‘પાનસુરિયા બંધુઓ’ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. વિવિધ સ્કીમો મારફતે લોકો પાસે અંધાધૂંધ રોકાણ કરાવી રફૂચક્કર થઈ જનારા સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયા વિરુદ્ધ વડોદરાના હરણી પોલીસ મથકે વધુ બે અલગ-અલગ છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે.

પાનસુરિયા બંધુઓ સામે વધુ બે  છેતરપિંડીની ફરિયાદો

ગોધરા અને મહીસાગરના બે મોટા રોકાણકારો પાસેથી અંદાજે ₹10 કરોડ જેટલી તોતિંગ રકમ પડાવી લઈ ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ બંને ભેજાબાજ ભાઈઓની ત્રણ મહિના અગાઉ જ અન્ય છેતરપિંડીના કેસોમાં પોલીસે ધરપકડ કરી હતી, અને હાલ તેઓ જેલમાં હોવા છતાં તેમના કૌભાંડોના એક પછી એક નવા પ્રકરણો બહાર આવી રહ્યા છે.

કોની સાથે કેટલા કરોડની છેતરપિંડી? (ફરિયાદની વિગતો)

 ગોધરા ખાતે રહેતા જ્યોતિકા પટેલે પાનસુરિયા બંધુઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ઊંચા વળતર અને સ્કીમના બહાને તેમની પાસેથી તબક્કાવાર રીતે અધધ... ₹6,66 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કરાવી પરત ન આપી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લાના વતની ચંદ્રકાંત પટેલે પણ સુરેશ અને મનીષ પાનસુરિયા સામે ફરિયાદ કરી છે. સ્કીમોમાં વધુ પ્રોફિટ મેળવવાની લાલચ આપી તેમની પાસેથી 3.32 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા. આ બંને રોકાણકારો મળીને પાનસુરિયા બંધુઓએ વધુ અંદાજે 10 કરોડની ઠગાઈ આચરી હોવાનું પોલીસ ચોપડે સત્તાવાર રીતે નોંધાયું છે.

હરણી પોલીસ દ્વારા સઘન તપાસ

હરણી પોલીસે બંને ભોગ બનનારા રોકાણકારોની ફરિયાદના આધારે સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયા વિરુદ્ધ આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ વિશ્વાસઘાત અને ગુનાહિત છેતરપિંડીના બે અલગ-અલગ ગુના દાખલ કર્યા છે.આરોપીઓ હાલ અગાઉના કેસમાં જેલમાં બંધ હોવાથી, હરણી પોલીસ આ બંને ગુનામાં તેમનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવીને સઘન રિમાન્ડ અને પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી રહી છે.પોલીસને આશંકા છે કે મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ હજુ અનેક રોકાણકારો છેતરાયા હોવાની વિગતો આગામી દિવસોમાં સપાટી પર આવી શકે છે.

આ પણ વાંચો: Surat: ઉત્રાણ સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ; 2 દિવસ માટે 6 ટ્રેનોનું સ્ટોપેજ રદ, સેટેલાઇટ સ્ટેશનની કામગીરી આખરી તબક્કામાં!