દક્ષિણ ગુજરાતના મહત્વના શૈક્ષણિક અને વેપારી મથક એવા નવસારી શહેર તેમજ સમગ્ર જિલ્લાના લોકો માટે આજના દિવસ આશા અને ખુશી લઈને આવ્યો છે. અમદાવાદ અને મુંબઈ જેવા બે મોટા મેટ્રો સિટીને જોડતી પ્રખ્યાત અને ઝડપી ટ્રેન 'કર્ણાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ'ને નવસારી ખાતે સ્ટોપેજ આપવામાં આવે તેવી સ્થાનિક અગ્રણીઓ, વેપારી મંડળો અને દૈનિક મુસાફરો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી.

નવસારી સ્ટેશન પર સ્ટોપેજની મંજૂરી 

જિલ્લાના લોકોની આ વ્યાજબી માંગણીને ધ્યાને રાખીને રજૂઆત સફળ રહી છે અને રેલવે મંત્રાલય દ્વારા કર્ણાવતી સુપરફાસ્ટ ટ્રેનને નવસારી સ્ટેશન પર રોકાણ (સ્ટોપેજ) આપવાની મંજૂરી આપવામાં આવી છે. નવસારી રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવસારી ખાતે આવી પહોંચેલી કર્ણાવતી સુપરફાસ્ટ ટ્રેનને વિધિવત રીતે લીલી ઝંડી બતાવીને આગળના પ્રસ્થાન માટે રવાના કરી હતી. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો, રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

મુસાફરોને થનારા ફાયદા

કર્ણાવતી સુપરફાસ્ટ ટ્રેનનું નવસારી ખાતે સ્ટોપેજ મળવાથી ખાસ કરીને સુરત, વડોદરા અને અમદાવાદ તરફ નિયમિત મુસાફરી કરતા નોકરિયાતો, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તબીબી સારવાર અર્થે જતા દર્દીઓને મોટો રાહત મળશે. આ ઉપરાંત નવસારીના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને મુંબઈ અને અમદાવાદ સાથેની ઝડપી કનેક્ટિવિટી મળશે, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.

આ પણ વાંચો: Dhrangadhra: રેલવે સ્ટેશનના નવીનીકરણમાં દીવાલ ધરાશાયી, બે મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત