નવસારી જિલ્લામાં ચોમાસાનો મિજાજ સતત જળવાઈ રહ્યો છે. આજે સવારથી જ સમગ્ર જિલ્લામાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું, ત્યારબાદ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. જિલ્લાના મુખ્ય ત્રણ તાલુકાઓ ચીખલી, વાંસદા અને જલાલપોર વિસ્તારમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. લાંબા વિરામ વગર પડી રહેલા આ વરસાદના કારણે જનજીવનને કોઈ મોટી નુકસાની થઈ નથી, પરંતુ વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયું છે.
જિલ્લાના મુખ્ય ત્રણ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી
https://twitter.com/sandeshnews/status/2074040651227054160
ધીમીધારે વરસાદથી ઠંડક પ્રસરી
ચીખલી અને વાંસદાના પર્વતીય તેમજ જંગલ પટ્ટીના વિસ્તારોમાં સવારથી જ રોમેન્ટિક માહોલ સર્જાયો છે. અહીં ધીમીધારે પડી રહેલા વરસાદના કારણે લોકલ નદી-નાળાઓમાં પાણીની નવી આવક થઈ રહી છે. બીજી તરફ, દરિયાકાંઠાના જલાલપોર તાલુકામાં પણ પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થતાં કાદવ-કીચડ જેવી સામાન્ય સમસ્યાઓ સિવાય લોકો ગરમી અને ઉકળાટથી મુક્તિ મેળવી રહ્યા છે.
અન્ય તાલુકાઓ પણ એલર્ટ પર
નવસારી જિલ્લાના છ તાલુકાઓ પૈકીના બાકીના ત્રણ તાલુકાઓમાં (નવસારી પ્રોપર, ગણદેવી અને ખેરગામ) પણ સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે નવસારી જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે અને ખેડૂતોને આ વરસાદી માહોલનો મહત્તમ લાભ લઈ ખેતીકામ આટોપી લેવા કૃષિ નિષ્ણાતોએ સલાહ આપી છે.
આ પણ વાંચો: Amreli: ભારે વરસાદથી 45 વીજપોલ અને 3 ટ્રાન્સફોર્મર ધરાશાયી, ખાંભા તાલુકાના 13 ગામોમાં વીજળી ગુલ