નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બે માસ અગાઉ એક આંગડિયા પેઢીને નિશાન બનાવી રૂ. 12.50 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના બાદ વાંસદા પોલીસ અને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમો દ્વારા મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

વાંસદામાં આંગડિયા પેઢીને નિશાન બનાવી

લૂંટના આ ગુનાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ રાજારામ ચૌધરી લૂંટની રકમ સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસ પકડથી બચવા માટે સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો.પોલીસની ધરપકડથી બચવા માટે ધુતારા રાજારામ ચૌધરીએ એક અનોખો કીમિયો અપનાવ્યો હતો. તે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે આવેલા એક પ્રતિષ્ઠિત આશ્રમમાં પહોંચી ગયો હતો. ત્યાં આશ્રમના મહંતને પોતાની ગુનાહિત કુંડળી છુપાવીને ગેરમાર્ગે દોર્યા હતા અને તેમનો શિષ્ય બનીને સાધુનો વેશ ધારણ કરી લીધો હતો.

આશ્રમના મહંતને ગુનાહિત કુંડળી છુપાવીને શિષ્ય બન્યો

દરમિયાન, નવસારી LCB અને વાંસદા પોલીસે રચાયેલી વિશેષ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ તાર મળતાં જ પોલીસ ટીમ માઉન્ટ આબુના આશ્રમ ખાતે પહોંચી હતી અને સાધુના ભગવા વસ્ત્રોમાં છુપાયેલા ધુતારા રાજારામ ચૌધરીને દબોચી લીધો હતો. પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી વાંસદા લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Gandhinagar: ધમકીભર્યા ઈ-મેઈલ કેસમાં રોશન અને ગુલશન ઝડપાયા; બાંગ્લાદેશ કનેક્શન અને 5 લાખ Gmail ID નો પર્દાફાશ