ગુજરાત વિધાનસભા સહિત દેશના વિવિધ સંવેદનશીલ અને સરકારી સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દેશવિરોધી તત્વો દ્વારા સરકારને ડરાવવા અને અસ્થિર કરવાના હેતુથી મોકલવામાં આવેલા આ ઈ-મેઈલ્સનું ટેકનિકલ લોકેશન ટ્રેસ કરતાં તપાસ એજન્સીઓ બિહારના ભાગલપુર સુધી પહોંચી હતી.
ધમકીભર્યા ઈ-મેઈલ કેસમાં રોશન અને ગુલશન ઝડપાયા
સ્થાનિક એસપીની મદદથી સાયબર સેન્ટરની ટીમે ભાગલપુરથી રોશન કુમાર નામના આરોપીની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ધોરણ ૧૨ પાસ રોશન કુમાર ટેકનોલોજીનો ભારે જાણકાર છે અને તે સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરી રહ્યો હતો. આ ગિરોહ દ્વારા લાખો Gmail ID અને પાસવર્ડનો ઉપયોગ કરી VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) ના માધ્યમથી ઓળખ છુપાવીને ધમકીભર્યા મેઈલ કરવામાં આવતા હતા.
ઈ-મેઈલ માટે યુએસ ડોલરમાં (USD) ચૂકવાતા હતા રૂપિયા
રોશન કુમારની પૂછપરછમાં ઝારખંડના ગુલશન કુમારનું નામ સામે આવ્યું હતું. બીએસસી (B.Sc.) નો અભ્યાસ કરી ચૂકેલો અને ઈ-મેઈલ ડેવલપર તરીકે કામ કરતો ગુલશન કુમાર આ આખા કાવતરાનો મુખ્ય સૂત્રધાર છે. સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સના એસપી વિવેક ભેડાના જણાવ્યા અનુસાર, ગુલશન કુમાર વર્ષ ૨૦૨૨ થી આ દેશવિરોધી પ્રવૃત્તિમાં સક્રિય હતો. તેણે આશરે ૫ લાખ જેટલા જી-મેઈલ આઈડી અને પાસવર્ડ તૈયાર કર્યા હતા.
ગુલશન કુમાર બાંગ્લાદેશી હેકરના સંપર્કમાં હતો
સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે ગુલશન કુમાર સીધો બાંગ્લાદેશના એક અજાણ્યા વ્યક્તિ/હેકરના સંપર્કમાં હતો. બાંગ્લાદેશી એજન્ટ દ્વારા ધમકીભર્યા ઈ-મેઈલ માટે આરોપીઓને યુએસ ડોલર (USD) માં નાણાકીય ચૂકવણી કરવામાં આવતી હતી. પોલીસે ગુલશન કુમાર પાસેથી ૨ ક્રિપ્ટો પોકેટ (Crypto Wallets) પણ કબજે કર્યા છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં કેટલા ઈ-મેઈલ મોકલવામાં આવ્યા, કેટલા નાણાં ચૂકવાયા અને બાંગ્લાદેશી એજન્ટ સાથે આ સંપર્ક કેવી રીતે સ્થપાયો હતો.
આ પણ વાંચો: Surat: વરાછાના શણગાર પેલેસમાં ફ્લેટનું લોક જામ; ઘરમાં કેદ પરિવારના 6 સભ્યોનું ફાયર ટીમે કર્યું સફળ રેસ્ક્યુ