ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસનો ભય સતત વધી રહ્યો છે. રાજસ્થાનના આબુરોડ તાલુકાના સિયાવા ગામની 2 વર્ષની બાળકી કીર્તિ સાજાભાઈ ડુંગાસીયાને અચાનક તીવ્ર તાવ આવ્યા બાદ સતત ઉલટીઓ થવા લાગી હતી. બાળકીની સ્થિતિ વધુ બિગડતાં તેને શરીર ખેંચાવા (આંચકી) સાથે બેભાન જેવી ગંભીર અવસ્થામાં તાત્કાલિક વધુ સારવાર અર્થે પાલનપુર સ્થિત બનાસ મેડિકલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

ચાંદીપુરા વાયરસનો ભય સતત વધી રહ્યો

હોસ્પિટલના તબીબોની ટીમે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેને આઈસીયુ (ICU) માં રાખીને સઘન સારવાર શરૂ કરી હતી. પરંતુ વાયરસના તીવ્ર આક્રમણના કારણે માસુમ બાળકી કીર્તિની તબિયતમાં સુધારો આવ્યો ન હતો અને સારવાર દરમિયાન જ તેણે પ્રાણપંખેરું ઊડી ગયું હતું. 2 વર્ષની બાળકીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ભારે કંપારી છવાઈ ગઈ છે.

બનાસકાંઠામાં 469 આરોગ્ય ટીમોનું સર્વેલન્સ

બનાસ મેડિકલમાં બાળકીના મોતની ઘટના સામે આવતાં જ બનાસકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને તંત્ર હરકતમાં આવ્યું છે. વાયરસ અન્ય બાળકોમાં ન ફેલાય તે માટે તાત્કાલિક ધોરણે જિલ્લામાં 469 જેટલી વિશેષ આરોગ્ય ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા ખાસ કરીને ગ્રામ્ય અને નીચાણવાળા વિસ્તારો, માટીના કાચા મકાનો તેમજ ઢોરના વાડાઓ આસપાસ રેટિયા માખીના ઉપદ્રવને અટકાવવા દવાઓનો છંટકાવ (ડસ્ટિંગ) શરૂ કરાયો છે.

આરોગ્ય અધિકારી અને તંત્ર હરકતમાં આવ્યું

આરોગ્ય વિભાગ દ્વારા તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે 15 વર્ષથી નાની વયના બાળકમાં તાવ, ઉલટી, આંચકી કે બેભાન થવા જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો સેલ્ફ-મેડિકેશન કે દેશી ઉપચાર કરવાને બદલે ત્વરિત સરકારી હોસ્પિટલ કે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) પર પહોંચી નિષ્ણાત તબીબની સારવાર લેવી.

આ પણ વાંચો: Valsad: કોલક નદીમાં ઘોડાપૂર, નાનાપોઢા નજીક અંભેટી-પારડી કોઝવે પાણીમાં ગરકાવ