દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિઝનમાં વલસાડ જિલ્લો ફરી એકવાર જળબંબાકાર બન્યો છે. ખાસ કરીને ઉપરવાસના પહાડી અને ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ વરસવાના કારણે વલસાડમાંથી પસાર થતી જીવાદોરી સમાન કોલક નદીમાં પાણીની આવક ભયજનક સ્તરે પહોંચી છે. કોલક નદી બંને કાંઠે હિલોળા લઈ રહી છે, જેના કારણે નીચાણવાળા કોઝવે અને રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા છે.
કોલક નદીમાં પાણીની આવક ભયજનક
https://www.instagram.com/reel/DbDBXGOCswp/?utm_source=ig_web_button_share_sheet
વલસાડ જિલ્લો ફરી એકવાર જળબંબાકાર
નાનાપોઢા નજીક આવેલો અને અનેક ગામોને જોડતો મહત્વનો અંભેટી-પારડી કોઝવે પાણીના ભારે પ્રવાહમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોવાથી અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તે હેતુથી વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા પર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે.
15 કિલોમીટરનો લાંબો ધક્કો અને મુશ્કેલી
આ કોઝવે બંધ થવાના કારણે નાનાપોઢા, અંભેટી, પારડી અને આસપાસના ગ્રામીણ વિસ્તારો વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. રોજના કામકાજ, દૂધ વિતરણ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરીયાતોની અવરજવર સંપૂર્ણપણે થંભી ગઈ છે. સ્થાનિક લોકોને હવે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે અન્ય વૈકલ્પિક માર્ગો પરથી લગભગ 15 કિલોમીટર જેટલો લાંબો ધક્કો ખાવાની ફરજ પડી રહી છે.સ્થાનિક તંત્ર દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને પૂરના પાણીમાં સાહસ ન કરવા કે કોઝવે ઓળંગવાનો પ્રયાસ ન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો: Vadodara: SSG હોસ્પિટલમાં રોગચાળો વકર્યો, દૈનિક 1800 થી 2000 OPD કેસ નોંધાયા