મધ્ય ગુજરાતમાં અવિરત વરસાદ અને ત્યારબાદ ઉઘાડ નીકળવાના કારણે વાતાવરણમાં ઉકળાટ અને ભેજનું પ્રમાણ વધતાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. હવામાનના આ અચાનક પલટાની સીધી અસર વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોના આરોગ્ય પર પડી છે. શહેરમાં વાયરલ તાવ, શરદી, ખાંસી, અને ઝાડા-ઉલટી જેવા વોટરબોર્ન અને વેક્ટરબોર્ન રોગચાળાએ માથું ઊંચક્યું છે.

શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું

શહેરની સૌથી મોટી સરકારી સયાજી (SSG) હોસ્પિટલના આંકડાકીય ચિત્ર અંગે માહિતી આપતાં RMO ડો. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, હવામાનમાં ફેરફાર થતાં જ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. હાલ હોસ્પિટલની ઓપીડીમાં રોજના 1800 થી 2000 દર્દીઓ ઈમરજન્સી અને સામાન્ય સારવાર અર્થે આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને શરદી, ખાંસી અને તીવ્ર તાવના દૈનિક 30 થી 40 નવા કેસો ઉમેરાઈ રહ્યા છે.

દૂષિત પાણી અને મચ્છરજન્ય ઉપદ્રવ સામે હોસ્પિટલ સજ્જ

RMO ના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન ઘણી જગ્યાએ પીવાના પાણીમાં દૂષિત પાણી ભળવાના કારણે ઝાડા-ઉલટીના 22 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ થયા છે. આ ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ વધતાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો પણ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ આંકડા માત્ર સરકારી SSG હોસ્પિટલના છે, જ્યારે વડોદરાની ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સમાં સરકારી હોસ્પિટલ કરતાં પણ 10 ગણા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

 SSG હોસ્પિટલ તંત્ર સજ્જ

જો કે, દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે SSG હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી તમામ સજ્જતા દાખવવામાં આવી છે. ડો. હિતેન્દ્ર ચૌહાણે નાગરિકોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે તમામ પ્રકારની એન્ટીબાયોટિક, પેરાસિટામોલ અને ઓઆરએસ (ORS) સહિતની દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તબીબો દ્વારા નાગરિકોને સાવચેતીના ભાગરૂપે ઉકાળેલું કે શુદ્ધ પાણી પીવા, વાસી ખોરાક ન ખાવા અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gir Somnath: તાલાલામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, ફોર્ચ્યુનર કાર વીજ પોલ અને ટ્રાન્સફોર્મર સાથે અથડાતાં ચાલકનું મોત