પાલનપુર શહેરમાં સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી નબળી કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. પાલનપુરના અત્યંત વ્યસ્ત અને મુખ્ય ગણાતા જહાનારા બાગ રસ્તા પર અચાનક મસમોટો ભુવો પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પાલનપુરમાં તંત્રની પોલ ખુલ્લી પડી
ચોમાસાની શરૂઆતમાં જ પડેલા માત્ર સામાન્ય વરસાદમાં રસ્તાની નીચેથી માટી ધોવાઈ જતાં રોડ પર મોટો ખાડો પડી ગયો હતો. સદનસીબે ભુવો પડ્યો તે સમયે કોઈ વાહન કે રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યા ન હતા, જેથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી.
જહાનારા બાગ મુખ્ય રસ્તા પર પડ્યો મસમોટો ભુવો
ભૂવો પડવાની ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે જહાનારા બાગ તરફ જતો એક બાજુનો રસ્તો બેરિકેડ્સ મૂકીને બંધ કરી દેવામાં આવ્યો છે. એક તરફનો રોડ બંધ થતાં વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને નોકરી-ધંધે જતાં લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે.
સાવચેતીના ભાગરૂપે એક તરફનો રોડ કરાયો બંધ
બીજી તરફ, સામાન્ય વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગ પર આટલો મોટો ભૂવો પડી જતાં પાલનપુર નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે રસ્તાના નિર્માણ વખતે લોકમુખી કામગીરી કરવાને બદલે વેઠ ઉતારવામાં આવી હતી. નાગરિકોએ માગ કરી છે કે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરી તાત્કાલિક ભુવાનું સચોટ પુરાણ કરવામાં આવે.
આ પણ વાંચો: Gandhinagar: કલોલ કોર્ટનો ઐતિહાસિક દાખલો, ચાર્જશીટ બાદ 48 કલાકમાં પોક્સો કેસનો ચુકાદો