બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા જસલેણી ગામે એક ખેતરમાં નૈવેદ્ય કરવા ગયેલા ગ્રામજનો પર ભમરાઓએ અચાનક હુમલો કર્યો હતો. ખેતરમાં નૈવેદ્ય માટે ધૂપ પ્રગટાવતાં ભમરાઓનું મોટું ઝુંડ ઉડ્યું હતું અને ત્યાં હાજર લોકો પર તૂટી પડ્યું હતું. આ ઘટનામાં 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

લોકો ધાર્મિક વિધિ અને નૈવેદ્ય કરવા માટે એકઠા થયા 

જસલેણી ગામની સીમમાં આવેલા એક ખેતરમાં કેટલાક લોકો ધાર્મિક વિધિ અને નૈવેદ્ય કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન વિધિના ભાગરૂપે ખેતરમાં ધૂપ પ્રગટાવવામાં આવ્યો હતો. ધૂપ પ્રગટાવતાં જ નજીકમાંથી ભમરાઓનું મોટું ઝુંડ અચાનક ઉડવા લાગ્યું હતું. 

ભમરાઓએ ઉપરાછાપરી ડંખ માર્યા

જોતજોતામાં આ ઝુંડે ખેતરમાં હાજર રહેલા તમામ લોકોને ઘેરી લીધા હતા. ભમરાઓએ ઉપરાછાપરી ડંખ મારવાનું શરૂ કરી દેતાં સમગ્ર ખેતરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

ભારે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ

આ અણધાર્યા હુમલાના કારણે સ્થળ પર ભારે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભમરાના આતંકને પગલે નૈવેદ્ય કરવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ભમરા કરડવાને કારણે 30 થી વધુ લોકો સ્થળ પર જ ઈજાગ્રસ્ત થયા હતા. 

ઈજાગ્રસ્તોને ઝડપથી દવાખાને લઇ જવાયા

અચાનક બનેલી આ દુર્ઘટનાને પગલે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગામના લોકોએ પણ ઈજાગ્રસ્તોને ઝડપથી દવાખાને પહોંચાડવા માટે મદદ કરી હતી.

ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર શરૂ 

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એકસાથે 30 થી વધુ દર્દીઓ સારવાર અર્થે દાખલ થતાં હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલના તબીબો દ્વારા ભમરા કરડવાથી પીડાતા તમામ ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં નૈવેદ્ય કરી રહેલા ગ્રામજનો પર ભમરા તૂટી પડવાની આ ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે જસલેણી ગામમાં ભયનો માહોલ છવાયો છે. 


આ પણ વાંચો  :   Nana Patekar : તનુશ્રી દત્તાના આક્ષેપો વચ્ચે પુત્ર મલ્હારે મૌન તોડ્યું, વિવાદમાં નવો વળાંક