ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના હાથિયાધાર વિસ્તારમાં 18 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય બાબતે થયેલી તકરાર બાદ યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં નૈતિક નામના યુવકનું મોત થયું છે.

સામાન્ય તકરાર બાદ છરી વડે હુમલો

પ્રાથમિક માહિતી મુજબ, બાઈક અથડાવાની બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાની આશંકા છે. આ દરમિયાન નૈતિક નામના 18 વર્ષીય યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં યુવકનું મોત થયું હતું.

ઘટના સ્થળે દોડી ગઈ ટાઉન પોલીસ

ઘટનાની જાણ થતાં પાલીતાણા ટાઉન પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. યુવકની હત્યાને પગલે વિસ્તારમાં પોલીસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ભરવાડ સમાજમાં ભારે રોષ

મૃતક યુવક ભરવાડ સમાજનો હોવાનું જાણવા મળ્યું છે. યુવકની હત્યાની ઘટના સામે આવતાં સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે સ્થાનિક સ્તરે પણ ચર્ચા અને ચિંતાનો માહોલ છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડાયો

યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનામાં સંડોવાયેલા લોકો અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. 


આ પણ વાંચો :  West Bengalનું નામ બદલાશે, 9 ડિસેમ્બરે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ થશે