પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુમાં ડુંગર પર સર્જાતા જોખમોને ટાળવા માટે આગામી બે મહિના સુધી પદયાત્રીઓની રાત્રિ અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
આગામી 6 સપ્ટેમ્બર સુધી રાત્રિના સમયે ડુંગર ચઢવા પર મનાઈ
જિલ્લા વહીવટી તંત્રના આદેશ અનુસાર, પાવાગઢ ડુંગર પર પદયાત્રીઓ માટે રાત્રે 10:00 વાગ્યાથી લઈને સવારના 4:00 વાગ્યા સુધી પ્રતિબંધ લાગુ રહેશે. આ નિયમ આગામી 6 સપ્ટેમ્બર સુધી એટલે કે બે મહિના માટે અમલી રહેશે. રાત્રિના સમયે અંધારા અને વરસાદમાં અકસ્માત થવાની સંભાવના વધુ હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે.
https://twitter.com/sandeshnews/status/2074844343492567527
ભેખડ ધસવાની હોનારતમાં બે યાત્રાળુઓએ ગુમાવ્યા હતા જીવ
થોડા દિવસો અગાઉ પાવાગઢ ખાતે ભારે વરસાદ દરમિયાન ડુંગર પર ભેખડ ધસી પડવાની એક ગંભીર હોનારત સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં પથ્થરો નીચે દબાઈ જવાથી બે નિર્દોષ યાત્રાળુઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ જાગેલા તંત્રએ ભવિષ્યમાં આવી કોઈ હોનારત ન સર્જાય અને યાત્રાળુઓ સુરક્ષિત રહે તે હેતુથી આ કડક નિર્ણય લીધો છે.

મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓને પ્રતિબંધમાંથી મુક્તિ
વહીવટી તંત્ર દ્વારા લગાવવામાં આવેલા આ રાત્રિ પ્રતિબંધમાંથી કેટલાક જરૂરી લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. પાવાગઢ મંદિર વ્યવસ્થાપક કમિટીના સભ્યો, મંદિરના ટ્રસ્ટીઓ અને રોજિંદી પૂજા-અર્ચના કરતા પૂજારીઓને આ નિયમ લાગુ પડશે નહીં. તેઓ પોતાની નિયત ધાર્મિક વિધિઓ માટે રાત્રિના સમયે પણ અવરજવર કરી શકશે.
યાત્રાળુઓને તંત્રના નિયમોનું પાલન કરવા અપીલ
ચોમાસા દરમિયાન પાવાગઢ ડુંગર પર પથ્થરો અને ભેખડો ધસી પડવાનું જોખમ ઘણું વધી જતું હોય છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ માઈભક્તોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે રાત્રિના સમયે ડુંગર પર જવાનું ટાળે અને તંત્રને સહકાર આપે. દિવસના સમયે નિયત ગાઇડલાઇન મુજબ યાત્રા રાબેતા મુજબ ચાલુ રહેશે.
આ પણ વાંચો - Gujarat Weather Update: 5 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ?