પાટણમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે થયેલું રાજકીય ઘર્ષણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પર શાહી ફેંકવાના ચકચારી પ્રકરણમાં પાટણ બી ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સારવાર હેઠળ રહેલી પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોર અને પૂર્વ મહિલા પ્રમુખ ભૂમિ પટેલની હોસ્પિટલમાંથી જ ધરપકડ કરી લીધી છે. ચાલુ સારવાર દરમિયાન કોંગ્રેસના બે કદાવર મહિલા આગેવાનોની અટકાયત કરાતાં પાટણનું રાજકારણ ધૂંધવાયું છે.

હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન જ પોલીસની કડક કાર્યવાહી

ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પર શાહી ફેંકવા મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે સકંજો કસ્યો હતો,ઘર્ષણ દરમિયાન ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ થયેલી પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભૂમિ પટેલની અટકાયત માટે પોલીસ ટીમ સીધી હોસ્પિટલ પહોંચી હતી.બંને મહિલા નેતાઓની તબીબી સારવાર ચાલુ હોવા છતાં પોલીસે તેમની સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.સારવાર દરમિયાન જ કરાયેલી આ ધરપકડથી કોંગ્રેસ સંગઠનમાં ભારે આક્રોશ ફેલાયો છે.

ભાજપ મહિલા પ્રમુખ પર શાહી ફેંકવા મામલે થઈ હતી ફરિયાદ

રાજકીય વિવાદની શરૂઆત સામસામે આવેલા આક્ષેપો અને વિરોધ પ્રદર્શનથી થઈ હતી.વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસની મહિલા કાર્યકરો દ્વારા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પર શાહી ફેંકવામાં આવી હોવાનો આરોપ મૂકાયો હતો.આ ઘટના બાદ બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતાં મામલો બિચક્યો હતો.ભાજપ પક્ષ તરફથી બી ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસ સ્ટેશને કોંગ્રેસ કાર્યકરોનો જમાવડો, સામસામી ફરિયાદની માંગ

પોલીસ દ્વારા મહિલા નેતાઓની ધરપકડ કરવામાં આવતાં જ મામલો ગરમાયો હતો.સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશને એકઠા થઈ ગયા હતા.કોંગ્રેસ પક્ષે પોલીસ તંત્ર સામે પક્ષપાતી વલણ દાખવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ માંગ કરી છે કે આ ઘર્ષણમાં કોંગ્રેસની મહિલા કાર્યકરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ભાજપ મહિલા મોરચાની મહિલાઓ સામે પણ કાયદેસરનો ગુનો દાખલ કરી કડક પગલાં ભરવામાં આવે.

પાટણમાં રાજકીય ગરમાવો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બંને પક્ષો સામસામે આવી જતાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે,પોલીસ સ્ટેશન પરિસર તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.એક તરફ ભાજપે મહિલા પદાધિકારી પરના હુમલાને અસભ્ય ગણાવ્યો છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસે તેને સત્તાના દુરુપયોગ તરીકે ઓળખાવી આંદોલનની ચીમકી આપી છે.

આ પણ વાંચો: Mehsana: નવરાત્રી ગ્રાઉન્ડ્સ પર ફૂડ વિભાગનો સપાટો! ખેલૈયાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું અખાદ્ય તેલ ઝડપાયું,