પાટણ શહેરમાં પ્રાથમિક સુવિધાઓની કથળેલી સ્થિતિ અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના વોર્ડ નંબર 11માં આવેલા પદ્માનાથ રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળતા ભારે દુર્ગંધ અને રોગચાળાની ભીતિ સર્જાઈ છે. વારંવાર પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે આક્રોશે ભરાયેલા સ્થાનિક રહીશોએ રસ્તા પર ઉતરીને હાઈવે પર ભારે ચક્કાજામ સર્જ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પોતે પણ સ્થાનિકોના સમર્થનમાં જોડાતા આંદોલને વધુ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું.
ભાજપના કોર્પોરેટરો લોકો સાથે વિરોધમાં જોડાયા
પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા દિન-પ્રતિદિન વધુ વિકટ બની રહી છે. જનતાના આ આક્રોશમાં ભાજપ શાસિત પાલિકાના પોતાના જ સદસ્યો જોડાયા છે જેના કારણે પાલિકાના વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વોર્ડ નંબર 11ના ભાજપના જ કોર્પોરેટર મનોજ ઠાકોર અને નવીન પ્રજાપતિ સ્થાનિક લોકો સાથે રહીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સ્થાનિકો તેમજ કોર્પોરેટરોએ પાટણ પાલિકાના ચીફ ઓફિસર પર મનસ્વી વર્તનનો ગંભીર આક્ષેપ કર્યો છે. શાસક પક્ષના સદસ્યોનું કહેવું છે કે, ચીફ ઓફિસર કોઈનું સાંભળતા નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે.
પ્રાંત અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને પાટણના પ્રાંત અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રોડ પર ભરાયેલા ભૂગર્ભ ગટરના ગંદા પાણીની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પ્રાંત અધિકારી વચ્ચે ગટરની સમસ્યાને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી. પ્રાંત અધિકારીએ તાત્કાલિક ધોરણે માર્ગ પરથી ગંદા પાણીનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. ઉપરાંત, GUDCની કામગીરી ચાલુ હોવાથી આ પ્રશ્નનું ઝડપથી નિવારણ લાવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. રહીશોએ ચીમકી આપી છે કે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
અચોક્કસ મુદતના અનશન કરવામાં આવશે
આ અંગે ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, જે રીતે 6 મહિનાથી લોકો હેરાન થઈ રહ્યા છે. વારંવાર આ બાબતે સંકલનની અંદર પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા. આ કોઈ સમસ્યાનો અંત આવતો નથી. આ નગરપાલિકા નહીં પરંતુ ગટરપાલિકા છે! લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ તો ખાલી એક ટ્રેલર છે.આગામી સમયની અંદર જો આનું સોલ્યુશન નહીં આવે, આનો અંત નહીં આવે, તો અચોક્કસ મુદતના અનશન કરવામાં આવશે.સ્થાનિક નેતા ગેમરભાઈએ કહ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી આ પદ્મનાભ વિસ્તારમાં લોકોને ચાલવું મુશ્કેલ પડી જાય એવો નરકાગાર થઈ ગયો છે. નગરપાલિકા તો 'ગટરપાલિકા પાટણ બની ગઈ છે! ચીફ ઓફિસરને અહીંના રહીશો અથવા કોર્પોરેટરો રજૂઆત કરવા જાય તો એમના ઉપર ખોટા આક્ષેપ કરી તેમના ફોન તોડી નાખવા અને આ અણઘડ વહીવટના કારણે અમારે આજે ત્રાહિમામ થઈને બહાર આવવું પડ્યું છે.
આ પણ વાંચોઃ Suratમાં મા-દીકરીના રહસ્યમય મોતથી ખળભળાટ, ઘરમાંથી બંનેના મોબાઈલ ગાયબ થતાં હત્યાની આશંકા ઘેરાઈ!