પાટણ શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા આધુનિક બસ પોર્ટનો મુદ્દો હવે જનસુવિધાને બદલે રાજકીય અખાડો બની ગયો છે. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી સરકારી સંકલન સમિતિની બેઠકમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે બસ પોર્ટને આપવામાં આવેલી બીયુ (બિલ્ડિંગ યુઝ) પરમિશન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ધારાસભ્યએ જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે મોટો આર્થિક 'વહીવટ' કરીને નિયમોને નેવે મૂકી આ પરમિશન આપી દીધી છે. એટલું જ નહીં, કિરીટ પટેલે ચીફ ઓફિસરના બદલાતા વલણને લઈને તેમની સરખામણી 'કાચંડા' સાથે કરતા બેઠકમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
અધિકારીનો સણસણતો જવાબ અને પરમિશનનું કારણ
ધારાસભ્યના આ ગંભીર આક્ષેપો અને શાન ઠેકાણે લાવવાની ભાષા સામે ચીફ ઓફિસર હિરલ ઠાકરે પણ ડિજિટલ અને વહીવટી મોરચે વળતો પ્રહાર કર્યો છે. હિરલ ઠાકરે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, બસ પોર્ટ એ પાટણની જનતા માટે ખૂબ મહત્વનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ઝડપથી શરૂ થાય અને મુસાફરોની અગવડતા દૂર થાય તેવા શુદ્ધ સરકારી આશયથી જ નિયમબદ્ધ રીતે બીયુ પરમિશન આપવામાં આવી છે. આમાં કોઈ ખોટો વહીવટ થયો નથી, અને નિયમોનુસાર કરવામાં આવેલી આ કામગીરી બદલ મારી સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ શકે નહીં.










