પાટણ શહેરમાં પ્રાથમિક સુવિધાઓની કથળેલી સ્થિતિ અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના વોર્ડ નંબર 11માં આવેલા પદ્માનાથ રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળતા ભારે દુર્ગંધ અને રોગચાળાની ભીતિ સર્જાઈ છે. વારંવાર પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે આક્રોશે ભરાયેલા સ્થાનિક રહીશોએ રસ્તા પર ઉતરીને હાઈવે પર ભારે ચક્કાજામ સર્જ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પોતે પણ સ્થાનિકોના સમર્થનમાં જોડાતા આંદોલને વધુ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. 

પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો

પદ્માનાથ ચાર રસ્તા પાસે યોજાયેલા આ ચક્કાજામમાં વોર્ડ નંબર 11ની મહિલાઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં માર્ગ પર બેસી ગયા હતા. સ્થાનિક રહીશોએ નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગટરના પાણીના નિકાલ માટે તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે આખા વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. મુખ્ય માર્ગ અને હાઈવે પર પદ્માનાથ ચાર રસ્તા જેવા મહત્વના વિસ્તારમાં જ રહીશોએ ચક્કાજામ કરતા રસ્તાની બંને બાજુએ ના નાના-મોટા વાહનો તેમજ મુસાફરોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને સ્થિતિ વધુ ન વણસે તે માટે પાટણ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પાટણમાં ચક્કાજામ

અચોક્કસ મુદતના અનશન કરવામાં આવશે

પોલીસે સ્થળ પર પહોંચીને આંદોલનકારી રહીશો અને ધારાસભ્ય કિરીટ પટેલ સાથે વાટાઘાટો શરૂ કરી હતી. પોલીસે સમજાવટથી માર્ગ ખુલ્લો કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જ્યારે સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જ્યાં સુધી ભૂગર્ભ ગટરની સમસ્યાનો યોગ્ય અને કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ અંગે ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, જે રીતે 6 મહિનાથી લોકો હેરાન થઈ રહ્યા છે. વારંવાર આ બાબતે સંકલનની અંદર પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા. આ કોઈ સમસ્યાનો અંત આવતો નથી. આ નગરપાલિકા નહીં પરંતુ ગટરપાલિકા છે! લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ તો ખાલી એક ટ્રેલર છે.આગામી સમયની અંદર જો આનું સોલ્યુશન નહીં આવે, આનો અંત નહીં આવે, તો અચોક્કસ મુદતના અનશન કરવામાં આવશે.

ધારાસભ્ય કિરિટ પટેલ

નગરપાલિકા તો 'ગટરપાલિકા પાટણ બની ગઈ

સ્થાનિક નેતા ગેમરભાઈએ કહ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી આ પદ્મનાભ વિસ્તારમાં લોકોને ચાલવું મુશ્કેલ પડી જાય એવો નરકાગાર થઈ ગયો છે. નગરપાલિકા તો 'ગટરપાલિકા પાટણ બની ગઈ છે! ચીફ ઓફિસરને અહીંના રહીશો અથવા કોર્પોરેટરો રજૂઆત કરવા જાય તો એમના ઉપર ખોટા આક્ષેપ કરી તેમના ફોન તોડી નાખવા અને આ અણઘડ વહીવટના કારણે અમારે આજે ત્રાહિમામ થઈને બહાર આવવું પડ્યું છે.

આ પણ વાંચોઃ Suratમાં મા-દીકરીના રહસ્યમય મોતથી ખળભળાટ, ઘરમાંથી બંનેના મોબાઈલ ગાયબ થતાં હત્યાની આશંકા ઘેરાઈ!