પાટણમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સર્જાયેલા ઘર્ષણે હવે ભારે રાજકીય અને કાનૂની રૂપ ધારણ કર્યું છે.જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પાસે બનેલી શાહી કાંડની ચકચારી ઘટનામાં બે મહિલા કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબા રાજપૂત દ્વારા પાટણ પોલીસ મથકે કોંગ્રેસના મહિલા પ્રમુખ જયા ઠાકોર અને મહિલા નેતા ભૂમિ પટેલ સામે ગંભીર ગુનાહિત કલમો હેઠળ વિધિવત FIR નોંધાવવામાં આવી છે.

શાહી ફેંકવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ

પોલીસ ફરિયાદ અનુસાર,ભાજપ મહિલા મોરચાની મહિલા કાર્યકરો જ્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આગળથી પસાર થઈ રહી હતી.તે દરમિયાન કોંગ્રેસની મહિલા કાર્યકરો દ્વારા અચાનક વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન અશ્લીલ અપશબ્દો બોલીને ભાજપની મહિલાઓ પર શાહી ફેંકવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.FIRમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાહી ઉડવાને કારણે કેટલીક ભાજપ મહિલાઓના ગળા અને શ્વાસમાં શાહી જતી રહી હતી, જેના કારણે વાતાવરણ અસ્તવ્યસ્ત બની ગયું હતું.

કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો

આ ઘટનામાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબા રાજપૂતે અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે કે શાહીના છાંટા તેમની જમણી આંખમાં સીધા જવાથી તેમને અંધાપો આવી ગયો છે. આ ઉપરાંત અચાનક થયેલા હુમલા અને ભાગદોડ જેવા માહોલને કારણે કેટલીક ભાજપ મહિલા કાર્યકરોનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તેઓ ઘટનાસ્થળે જ બેભાન થઈને ઢળી પડી હતી. આ સમગ્ર મામલે ભાજપ વર્તુળોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ પોલીસે કોંગ્રેસ નેતા જયા ઠાકોર અને ભૂમિ પટેલ સામે અત્યંત સખત અને કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 

આ પણ વાંચોઃ Jamnagar: લાલપુરમાં GEB ના નિવૃત્ત અધિકારીની કરપીણ હત્યા, ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો