પાટણ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ રોકવા માટે તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પાટણ એલસીબી પોલીસ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે ગુપ્ત બાતમીના આધારે સિદ્ધપુર GIDC વિસ્તારમાં એક મોટી સંયુક્ત રેડ કરી છે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓ અને સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

13,800 કિલો શંકાસ્પદ તેલ અને 40 ડબ્બા સીઝ કરાયા

પોલીસ અને ખોરાક વિભાગની ટીમે સિદ્ધપુર GIDC માં આવેલા પ્લોટ નંબર 23 સ્થિત 'ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ' નામની ફેક્ટરીમાં રેડ કરી હતી. આ તપાસ દરમિયાન ફેક્ટરીમાં રાખવામાં આવેલી 2 મોટી ટેન્કોમાંથી અંદાજે 13,800 કિલો જેટલો શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી તેલના 40 ભરેલા ડબ્બા પણ મળી આવ્યા હતા. તંત્ર દ્વારા લાખો રૂપિયાની કિંમતનો આ સમગ્ર શંકાસ્પદ જથ્થો સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Patan News: LCB & Food Dept Raid in Siddhpur GIDC: 13,800 kg Suspected Oil Seized

શ્રી ગંગા, ગામી અને ગોવર્ધન બ્રાન્ડના સેમ્પલ લેવાયા

ઓપરેશન દરમિયાન અધિકારીઓ દ્વારા ફેક્ટરીમાં પેક કરવામાં આવતી 3 જાણીતી બ્રાન્ડ - શ્રી ગંગા, ગામી અને ગોવર્ધન તેલના શંકાસ્પદ નમુના લેવાની કામગીરી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા આ નમુનાઓને પૃથ્થકરણ અને લેબોરેટરી ટેસ્ટિંગ અર્થે લેબમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Patan News: LCB & Food Dept Raid in Siddhpur GIDC: 13,800 kg Suspected Oil Seized

લેબોરેટરી રિપોર્ટ બાદ કાયદેસરની દંડનીય કાર્યવાહી થશે

હાલમાં પાટણ LCB અને ફૂડ વિભાગ દ્વારા લાખો રૂપિયાના શંકાસ્પદ તેલના જથ્થાને સીઝ કરીને ફેક્ટરીમાં આગળની કાયદેસરની તપાસ ચાલુ રાખવામાં આવી છે. ખોરાક વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી સેમ્પલનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ જો આ તેલ આરોગ્ય માટે હાનિકારક કે ભેળસેળયુક્ત માલૂમ પડશે તો ફેક્ટરીના સંચાલકો સામે અન્ન સુરક્ષા ધારા હેઠળ ગુનો નોંધીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો - Patan: જૂના ગંજ બજારમાં તન્ના ટ્રેડર્સ પર ફૂડ વિભાગના દરોડા, 678 કિલો શંકાસ્પદ ચટણી સીઝ