આગામી તહેવારોની ઉજવણી દરમિયાન નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા એકમો પર સઘન તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત પાટણના જૂના ગંજ બજાર વિસ્તારમાં આવેલા 'તન્ના ટ્રેડર્સ' નામના વેપારી એકમ પર ફૂડ અધિકારીઓની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું મેગા ઓપરેશન

તપાસ દરમિયાન આ પેઢીમાંથી મોટા પ્રમાણમાં વેચાણ અર્થે રાખવામાં આવેલી અને શહેરની વિવિધ હોટલો તથા રેસ્ટોરન્ટોમાં સપ્લાય થતી શંકાસ્પદ લાલ ચટણી મળી આવી હતી. ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ લાલ ચટણીની ગુણવત્તા અંગે શંકા જણાતાં કાયદાકીય જોગવાઈઓ મુજબ તાત્કાલિક ધોરણે રૂ. 20,340 ની કિંમતનો 678  કિલો લાલ ચટણીનો જથ્થો સીઝ કરી દીધો હતો.

જૂના ગંજ બજારમાં 'તન્ના ટ્રેડર્સ' પર દરોડો

શંકાસ્પદ ચટણીના અધિકૃત નમૂના (સેમ્પલ) લઈને પૃથક્કરણ અર્થે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. પેઢી પરિસરમાં સ્વચ્છતાનો અભાવ જણાતાં ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ હેઠળ તન્ના ટ્રેડર્સને 'ઇમ્પ્રુવમેન્ટ નોટિસ' (સુધારા નોટિસ) પાઠવવામાં આવી છે.લેબોરેટરી પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ જો ચટણીમાં સબ-સ્ટાન્ડર્ડ કે કેમિકલયુક્ત મિશ્રણ સાબિત થશે તો વેપારી સામે કાયદા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચો: Kutch: ગાંધીધામ અને મુન્દ્રા સહિત 15 સ્થળોએ ITના દરોડા, મોટા પાયે કરચોરી અને હિસાબોમાં ગેરરીતિની શંકા