પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે શુદ્ધ ખોરાક અભિયાન અંતર્ગત સિદ્ધપુર પંથકમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે કાર્યરત 'મેસર્સ સર્વોદય ડેરી' માં મોટા પાયે બિનઆરોગ્યપ્રદ અને લેબલ વગરના ઘીનું વેચાણ અને સંગ્રહ થતો હોવાની ચોક્કસ બાતમી ફૂડ વિભાગને મળી હતી. આ બાતમીના આધારે ફૂડ સેફ્ટી ઓફિસરે સ્ટાફ સાથે ડેરી પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
કાકોશી ગામે ફૂડ વિભાગના દરોડા
દરોડા દરમિયાન ડેરીના પ્રીમાઇસીસમાંથી કોઈપણ જાતના બ્રાન્ડિંગ, પેકિંગ તારીખ કે એક્સપાયરી લેબલ વગરનો 74 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને 26,640 ની અંદાજિત કિંમત ધરાવતો આ તમામ જથ્થો જપ્ત કરી સીલ કરી દીધો હતો. આ ઘી માનવ વપરાશ માટે યોગ્ય છે કે તેમાં કોઈ પ્રકારની ભેળસેળ કરવામાં આવી છે તેની સચોટ માહિતી મેળવવા માટે અધિકારીઓએ સ્થળ પરથી ઘીના બે અધિકૃત નમૂના લીધા હતા. આ નમૂનાઓને વધુ તપાસ અર્થે સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
