દક્ષિણ ગુજરાતમાં વરસેલા અવિરત વરસાદ અને ત્યારબાદ ખાડીઓમાં આવેલા પૂરના પાણી શહેરી વિસ્તારોમાં ઘૂસી જતાં મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ હતી. ખાસ કરીને ખાડીપૂર ઓસર્યા બાદ કાદવ-કીચડ અને ઠેર-ઠેર જમા થયેલા પાણીના કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સુરત મહાનગરપાલિકા (SMC) ના કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના તમામ આઠેય ઝોનમાં એક વ્યાપક હેલ્થ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે.

પૂરના પાણી ઓસરતા જ રોગચાળાનો ભય

આરોગ્ય વિભાગની વિશેષ ટીમોએ છેલ્લા 9 દિવસથી બાંધકામ સાઇટો, રહેણાંક સોસાયટીઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ખુલ્લા પ્લોટ્સમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું છે. આ સમયગાળા દરમિયાન ટીમોએ 1,161 જેટલી નાની-મોટી બાંધકામ સાઇટોની આકસ્મિક મુલાકાત લીધી હતી. પાણી ભરાયેલા સ્થાનો અને મચ્છરોના લાર્વા (પોરા) મળી આવતા આરોગ્ય વિભાગે મચ્છરોની ઉત્પત્તિ માટે જવાબદાર એવા 7,057 જેટલા બ્રીડિંગ સ્પોટનો રાસાયણિક પ્રવાહી નાખીને અને દવા છાંટીને નાશ કર્યો હતો. નિયમોનું પાલન ન કરનાર અને ઘોર બેદરકારી દાખવનાર બિલ્ડરો તેમજ મિલકતધારકો સામે લાલ આંખ કરી કાયદેસરના નોટિસ આપીને કુલ રૂ. 2.66 લાખનો રોકડ દંડ સ્થળ પર જ ફટકારવામાં આવ્યો છે.

ઘરે-ઘરે આરોગ્ય સર્વે અને દવાઓનું વિતરણ

ચોમાસામાં પાણીજન્ય રોગો જેવા કે કમળો, ટાઈફોઈડ, ગેસ્ટ્રો અને મચ્છરજન્ય ડેન્ગ્યુ-મેલેરિયાથી સુરતીઓને બચાવવા માટે 32,508 થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર હેલ્થ સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેક્ષણ દરમિયાન પૂર અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારો અને સ્લમ વિસ્તારોના નાગરિકોને તાવ-શરદીની પ્રાથમિક સારવાર કીટ, પાણી શુદ્ધ કરવાની હેલોજન/ક્લોરિન ટેબ્લેટ્સ તેમજ ડીહાઇડ્રેશન બચાવવા ઓ.આર.એસ. (ORS) પેકેટનું જંગી માત્રામાં મફત વિતરણ કરવામાં આવ્યું છે. મનપા પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના સ્તરે પણ સફાઈ રાખે અને ક્યાંય પણ બિનજરૂરી પાણી જમા થવા ન દે.

આ પણ વાંચો: Ambaji: ભંડારા ચોરી કેસમાં 3 કર્મચારીઓ ઘરભેગા, હવે ચાચર ચોકમાં LED પર ગણતરી લાઈવ દેખાડાશે