ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સાથે જોડાયેલા રમતગમત જગતમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર-કોલેજ રમતગમત સ્પર્ધાઓમાં જીત મેળવવા માટે ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાવીને ડમી (નકલી) ખેલાડીઓ રમાડવાનું મોટું કૌભાંડ પકડાયું છે. આ ગેરરીતિ સામે આવતાં જ યુનિવર્સિટી તંત્ર અને આયોજકોમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ઊંઝા કબડ્ડી અને ડીસા હોકી સ્પર્ધામાં ગેરરીતિનો પર્દાફાશ
મળતી વિગતો અનુસાર, એક નહીં પરંતુ બે અલગ-અલગ રમતોમાં આ પ્રકારે બહારના ખેલાડીઓને ગેરકાયદેસર રીતે ટીમમાં ઘુસાડી દેવાયા હતા. ઊંઝા ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં વિજાપુરની કોલેજે પોતાની કોલેજના નિયમિત વિદ્યાર્થીઓને બદલે બહારની અન્ય યુનિવર્સિટીઓના ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા હતા. ડીસા ખાતે રમાયેલી હોકી સ્પર્ધામાં ઈડરની કોલેજની ટીમમાં પણ ડમી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
