ઉત્તર ગુજરાતના હજારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય જેની સાથે જોડાયેલું છે તેવી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) એ શિક્ષણનું સ્તર જાળવી રાખવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો બોલાવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન પાટણ અને મહેસાણા જિલ્લાની 17 જેટલી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને પ્રોફેશનલ કૉલેજોના સંચાલનમાં મોટા પાયે ગંભીર અનિયમિતતાઓ પકડાઈ હતી. અગાઉ યુનિવર્સિટી દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિએ આ કોલેજોની મુલાકાત લીધી હતી, જેમાં સ્ટાફની અછત, પૂરતા સાધનોનો અભાવ અને વહીવટી ક્ષતિઓ સામે આવી હતી. આ અહેવાલના આધારે બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BoM) ની બેઠકમાં ઠરાવ પસાર કરીને આ તમામ 17 કોલેજોનું જોડાણ તાત્કાલિક અસરથી રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પ્રખ્યાત કોલેજો પર પડ્યું આઇ કમિશનનું તાળું

યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, ચાણસ્માના મીઠાઘરવા સ્થિત આવેલી પ્રતિષ્ઠિત ઉમિયા કોલેજ ઓફ એજ્યુકેશનના બી.એડ. (B.Ed.) અભ્યાસક્રમનું જોડાણ રદ કરી દેવાયું છે. આ ઉપરાંત મહેસાણાના જોટાણાની સંસ્કાર બી.એડ. કોલેજ તેમજ કડીના કલ્યાણપુરામાં ધમધમતી બી.એડ., એમ.એડ. (M.Ed.), બી.બી.એ. (BBA) અને બી.સી.એ. (BCA) કોલેજોની માન્યતા પણ છીનવી લેવામાં આવી છે. આ યાદીમાં શ્રી હરિ એમ.એસસી. (M.Sc.) અને ડી.એચ.એસ.આઈ. કોલેજ સહિત અન્ય ઘણી ખાનગી ગ્રાન્ટ-ઇન-એઇડ અને સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓમાં આગામી નવું શૈક્ષણિક સત્ર 2026-27 શરૂ થાય ત્યારથી નવા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ માટે એડજસ્ટમેન્ટ પ્લાન જાહેર

યુનિવર્સિટીના આ આકરા પગલાના કારણે આ કોલેજોમાં અભ્યાસ કરતા અથવા પ્રવેશ મેળવવા ઈચ્છતા હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, કુલપતિ કે.સી. પોરિયાએ વાલીઓને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, જે પણ વિદ્યાર્થીઓ હાલ આ 17 કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા નવા સત્રમાં આવવાના હતા, તેમના શિક્ષણને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા દેવામાં નહીં આવે. આ તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તેમની જ સોસાયટી કે ગામની નજીક આવેલી અન્ય સરકારી અથવા માન્યતા પ્રાપ્ત સંલગ્ન કોલેજોમાં સમાવી લેવામાં આવશે. આ માટે અન્ય કોલેજોમાં વિશેષ મંજૂરી આપીને વધારાની બેઠકો ફાળવવામાં આવશે, જેથી ચાલુ વર્ષે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર બગડે નહીં.

આ પણ વાંચો: Ahmedabad: નકલી પ્લાઝ્મા કેસમાં વધુ એક ધરપકડ, મહારાષ્ટ્રની 2 બ્લડ બેંકના માલિકો બાદ અજિત સોલંકી પોલીસ સકંજામાં