માનવ જિંદગી સાથે રમત રમીને કરોડો રૂપિયા કમાઈ લેવાના નકલી બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં અમદાવાદ ગ્રામ્ય SOG એ તપાસનો વ્યાપ વધાર્યો છે. આ કેસમાં કડીઓ જોડતા પોલીસે વધુ એક આરોપી અજિત સોલંકીની ધરપકડ કરી છે. પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત સોલંકી અગાઉ આ જ કેસમાં પકડાઈ ચૂકેલા આરોપી જિતેન્દ્ર સોલંકીના સીધા સંપર્કમાં હતો અને રેકેટમાં લોજિસ્ટિક્સ તેમજ સપ્લાય ચેઈન સંભાળતો હતો. આ નેટવર્કના તાર દેશના ૫ થી વધુ રાજ્યો સાથે જોડાયેલા હોવાથી મેડિકલ ક્ષેત્રે ફફડાટ વ્યાપી ગયો છે.

સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડી અને રાજ્યોનું કનેક્શન

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ ટોળકીનો મુખ્ય મોડસ ઓપરેન્ડી એ હતો કે જુદી-જુદી બ્લડ બેંકોમાંથી કોઈને કોઈ ખામીના કારણે રિજેક્ટ (નકારાયેલું) થયેલું પ્લાઝ્મા આ લોકો સસ્તા ભાવે એકઠું કરતા હતા. આ કેસના મુખ્ય સૂત્રધારો દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ આ આખા નેટવર્કનું સંચાલન કરતા હતા. અગાઉ ધરપકડ કરાયેલા પ્રકાશ સાંગલે અને અશોક સાંગલે દ્વારા આ અશુદ્ધ કે નકલી પ્લાઝ્મા મહારાષ્ટ્ર અને બેંગલોર ખાતેની મોટી ફાર્મા કંપનીઓમાં વેચવામાં આવતું હતું. મહારાષ્ટ્રમાંથી આ ગુનાહિત કૃત્યમાં મદદ કરવા બદલ 2 પ્રખ્યાત બ્લડ બેંકના માલિકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

બેંગલોરની ફાર્મા કંપની શંકાના દાયરામાં

હાલમાં અમદાવાદ એસ.ઓ.જી.ની એક ટીમ બેંગલોર ખાતે ફાર્મા કંપનીના યુનિટમાં તપાસ ચલાવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ફાર્મા કંપનીને એ વાતની ચોક્કસ ખબર હતી કે જે પ્લાઝ્મા આવી રહ્યું છે તે મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ રિજેક્ટેડ (નબળી ગુણવત્તાનું) છે, પરંતુ આટલો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે કયા વચેટિયાઓ લાવી રહ્યા છે તેની કંપનીને સત્તાવાર જાણ ન હોવાનો દાવો કરાયો છે. પકડાયેલો નવો આરોપી અજિત સોલંકી આ પ્લાઝ્માનો જથ્થો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ (MP) ખાતે આવેલી નાની-મોટી ફાર્મા અને પ્લાઝ્મા યુનિટ કંપનીઓમાં મોકલવાની ડીલ કરતો હતો. પોલીસ હવે અજિતના રિમાન્ડ મેળવી આ ત્રણેય રાજ્યોમાં કઈ કઈ કંપનીઓ ગ્રાહક હતી અને આ નકલી પ્લાઝ્મામાંથી કઈ કઈ દવાઓ બનાવવામાં આવતી હતી તે દિશામાં તપાસ લંબાવશે.

આ પણ વાંચો: Gondal: યુવતીઓનો પીછો કરી છેડતી કરનાર રોમિયો કુલદીપ પટોડિયા જેલભેગો