ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમના વરદ હસ્તે પાટણ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'જનતા કેન્સર હોસ્પિટલ'નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે હવે સ્થાનિક સ્તરે જ અત્યાધુનિક તબીબી સેવાઓ મળી રહેશે.
65 કરોડના ખર્ચે તૈયાર થઈ અદ્યતન કેન્સર હોસ્પિટલ
પાટણવાસીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક સીમાચિહ્ન સમાન આ હોસ્પિટલ અંદાજે 65 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સાધનો અને સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલ શરૂ થવાથી કેન્સરના દર્દીઓને સારવાર માટે બહારગામ કે મોટા શહેરોમાં ધક્કા ખાવામાંથી મોટી રાહત મળશે.

ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ
આ લોકાર્પણ સમારોહમાં પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ તેમજ સિદ્ધપુરના ધારાસભ્ય અને મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના અનેક અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ સેવાકીય યજ્ઞમાં સહયોગ આપનારા મોટી સંખ્યામાં દાતાઓ અને સ્થાનિક નાગરિકો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
મુખ્યમંત્રી દ્વારા ઉદાર દાતાઓનું સન્માન
હોસ્પિટલના લોકાર્પણ વિધિ બાદ જનતા કેન્સર હોસ્પિટલના નિર્માણમાં ઉદાર હાથે આર્થિક સહયોગ આપનાર તમામ દાતાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવશે. સમાજ કલ્યાણ અને આરોગ્ય ક્ષેત્રે લોકભાગીદારીનું આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Patan News : સૂકા તળાવમાં પાણી આવતા જગતનો તાત ખુશખુશાલ, રવિ પાકને નવજીવન મળતા ખેડૂતોએ માન્યો આભાર