ગુજરાતમાં મીડિયાની સાચી તાકાત અને જનતાના અવાજને વાચા આપવાના પ્રતિકસમા પાટણ જિલ્લામાંથી એક ઉત્તમ કિસ્સો સામે આવ્યો છે. પાટણના રખાવ ગામ નું તળાવ લાંબા સમયથી પાણી વગર સૂકું ભઠ્ઠ બની ગયું હતું, જેને કારણે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ગંભીર સમસ્યાને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા અગાઉ મુખ્ય અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના પ્રભાવથી આખરે તંત્ર અને સરકાર હરકતમાં આવી છે અને રખાવ ગામના તળાવમાં નર્મદા કે અન્ય સિંચાઈ માધ્યમથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે.

ત્રણ દિવસ પહેલાં ખેડૂતોએ કરી હતી ઉગ્ર માંગ, લાખોના ખર્ચ છતાં ચિંતા વધી હતી

માત્ર ત્રણ દિવસ પહેલાં જ રખાવ ગામના રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા તળાવમાં પાણી છોડવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. શિયાળાની શરૂઆત થઈ ચૂકી હોય અને રવિ પાકનું વાવેતર કરવાનું હોય ત્યારે તળાવ સૂકાઈ જવાથી ખેડૂતોની ચિંતા સાતમા આસમાને પહોંચી ગઈ હતી. પાકને બચાવવા માટે ખેડૂતોએ અગાઉ પોતાના ખિસ્સામાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરીને બોર કે અન્ય માધ્યમોથી પાણી મેળવવાના પ્રયાસો કર્યા હતા, છતાં પરિસ્થિતિ વિકટ બની રહી હતી.

રવિ પાકને મળી મોટી રાહત, ખેડૂતોએ સંદેશ ન્યૂઝ અને સરકારનો માન્યો આભાર

તળાવમાં પાણી આવવાની શરૂઆત થતાં જ ખેતરોની આસપાસનું ભૂગર્ભ જળ સ્તર સુધરશે અને રવિ પાકને પૂરતું સિંચાઈનું પાણી મળી રહેશે, જેનાથી ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો બચી ગયો છે. પાણી આવતાની સાથે જ રખાવ ગામના ખેડૂતોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. અન્નદાતાઓએ પોતાની સમસ્યાને યોગ્ય મંચ પર રજૂ કરવા બદલ સંદેશ ન્યૂઝ તેમજ સમયસર યોગ્ય નિર્ણય લેવા બદલ ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : ઓનલાઈન બેટિંગના કાળા કારોબારમાં મોટો ઘટસ્ફોટ! APX કૌભાંડના આરોપી સગર દાશની ED દ્વારા ધરપકડ