પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી LCB ની ટીમ સતત પેટ્રોલિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ પર કામ કરી રહી હતી. આ દરમિયાન પાટણ LCB પીઆઈ અને તેમની ટીમને એક ચોક્કસ હકીકત મળી હતી કે, કુખ્યાત ઘરફોડ ગેંગનો એક સાગરીત ચોરીના મુદ્દામાલ સાથે સિદ્ધપુર વિસ્તારમાંથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે સિદ્ધપુર ચાર રસ્તા બ્રિજ નીચે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ પલ્સર બાઇક સાથે પસાર થતા મેહુલ લક્ષ્મણભાઈ બજાણીયાને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

5 થી વધુ જિલ્લામાં ચોરીની કબૂલાત

પોલીસ સ્ટેશને લાવીને જ્યારે આરોપી મેહુલ બજાણીયાની કડક પછપરછ કરવામાં આવી ત્યારે તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ ગેંગ માત્ર પાટણ જ નહીં, પરંતુ અમદાવાદ મહાનગર, પાટનગર ગાંધીનગર, ચરોતરના આણંદ અને સંસ્કારી નગરી વડોદરા જેવા હાઇ-પ્રોફાઇલ જિલ્લાઓમાં પણ કલબલ મચાવી ચૂકી છે. આરોપીએ સ્વીકાર્યું હતું કે તેઓ રાત્રિના સમયે સોસાયટીઓમાં રેકી કરતા હતા અને જે મકાનો બંધ હોય તેના તાળાં તોડીને ગણતરીની મિનિટોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરીને બાઇક પર રફુચક્કર થઈ જતા હતા. આ ધરપકડથી અલગ-અલગ પોલીસ સ્ટેશનના ૬ ગુનાઓ ડિટેક્ટ થયા છે.

અન્ય 4 સાગરીતોની શોધખોળ શરૂ

પાટણ LCB ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉથી જ અલગ-અલગ જિલ્લાઓમાં ૯ ગુનાઓ નોંધાયેલા છે. આ એક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ નેટવર્ક (રેકેટ) છે, જેમાં તેની સાથે અન્ય ૪ સાગરીતો પણ સક્રિય ભૂમિકા ભજવતા હતા. LCB એ હાલ આરોપી પાસેથી ૪૫ હજારની રોકડ અને ગુનામાં વપરાયેલું મોટરસાયકલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ગેંગના બાકીના ૪ વોન્ટેડ સાગરીતોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને પાડોશી જિલ્લાઓ અને તેમના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: Surat: પાંડેસરા બાદ હવે સચિન GIDCમાં વિરાટ કોમ્પ્લેક્સની દીવાલ ધરાશાયી, સદનસીબે મોટી જાનહાનિ ટળી