સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં મિલો અને કોમ્પ્લેક્સના કથળેલા બાંધકામો હવે નિર્દોષ નાગરિકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલાં પાંડેસરા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના હજુ લોકોના મનમાંથી ભૂલાઈ નથી, ત્યાં જ સચિન GIDC ના રોડ પર આવેલા વિરાટ કોમ્પ્લેક્સમાં મોડી સાંજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. કોમ્પ્લેક્સની એક તરફની જૂની દીવાલ અચાનક જ કડાકાભેર રોડ તરફ અને આજુબાજુના ખુલ્લા ભાગમાં તૂટી પડી હતી.

ભારે અવાજ સાથે દીવાલ પડતા નાસભાગ થઈ

જ્યારે દીવાલ ધરાશાયી થઈ ત્યારે એટલો મોટો અવાજ આવ્યો હતો કે આસપાસની લૂમ્સની મિલો અને કારખાનામાં કામ કરતા શ્રમિકો કોઈ મોટો બ્લાસ્ટ થયો હોવાની આશંકાએ ફેક્ટરીઓની બહાર દોડી આવ્યા હતા. દીવાલનો કાટમાળ જે જગ્યાએ પડ્યો ત્યાં સામાન્ય રીતે વાહનો પાર્ક થતા હોય છે અથવા શ્રમિકો ચા-નાસ્તો કરવા ઊભા રહેતા હોય છે, પરંતુ સદનસીબે ઘટના સમયે તે જગ્યા ખાલી હોવાના કારણે એક મોટી હોનારત થતાં-થતાં ટકી ગઈ છે.

મેઇન્ટેનન્સના અભાવે બની ઘટના

સ્થાનિક એસોસિએશનના અગ્રણીઓના જણાવ્યા મુજબ, GIDC ના ઘણા ખાનગી પ્લોટ અને વિરાટ કોમ્પ્લેક્સ જેવા જૂના કોમ્પ્લેક્સમાં યોગ્ય કાળજી કે કલર-કામ અને ચોમાસા પહેલાંનું રિપેરિંગ કરવામાં આવતું નથી. કેમિકલના ધુમાડા અને ભેજવાળા વાતાવરણના કારણે આવી દીવાલો અંદરથી સડી જાય છે અને નબળી પડી જાય છે. સચિન GIDC નોટિફાઇડ ઓથોરિટી અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ કરાવી છે અને કોમ્પ્લેક્સના માલિકોને બાકીના જર્જરિત હિસ્સાને તાકીદે ઉતારી લેવા માટે મૌખિક સૂચના આપી છે.

આ પણ વાંચો: Junagadh: ઓઘડનગરમાં નબળા રસ્તાના કારણે એક જ ખાડામાં 4 લોકો ખાબક્યા, વરસાદી પાણી વચ્ચે રસ્તો બન્યો જીવલેણ