પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મઘાપુરા ગામેથી એક અતિ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં નાનાપુરા સીમના તળાવમાં ડૂબી જવાથી સગા ભાઈ-બહેનનું અકાળે મોત નીપજ્યું છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર મઘાપુરા ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
ખેતરેથી પરત ફરતી વખતે પાણી પીવા જતાં સર્જાયી કાળચક્ર જેવી હોનારત
ઘટનાની મળતી વિગતો અનુસાર, બંને બાળકો પોતાના ખેતરેથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં નાનાપુરા સીમના તળાવ પાસે પહોંચતા તેમને તરસ લાગી હતી. તળાવના કિનારે પાણી પીવા માટે જતાં અચાનક તેમનો પગ લપસી ગયો હતો. પગ લપસી જતાં જ બંને ભાઈ-બહેન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થળ પર કોઈ મદદ મળે તે પહેલાં જ બંને માસૂમોનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

