પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો રાજકીય વિવાદ ફરી એક વખત ચરમસીમાએ પહોંચ્યો છે.પાલિકાની સામાન્ય સભા દરમિયાન થયેલી ભારે બોલાચાલી બાદ વિપક્ષે ગંભીર આક્ષેપો સાથે ન્યાયની માગ ઉઠાવી છે.કોંગ્રેસનાં મહિલા સદસ્ય જયા ઠાકોરને લાફો મારવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપ સાથે વિપક્ષી સભ્યોએ ભાજપ શાસકો સામે કાયદેસર પગલાં ભરવાની રજૂઆત કરી છે.
મુક્તાબેન શાંતિલાલ પટેલ સામે કાર્યવાહીની માગ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરબત આહિરે કહ્યું હતું કે, રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે વિવિધ પ્રશ્નોને લઈને તકરાર સર્જાઈ હતી.વિપક્ષે એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, ભાજપનાં વોર્ડ નંબર 4નાં મહિલા સદસ્ય મુક્તાબેન પટેલ દ્વારા કોંગ્રેસનાં મહિલા સદસ્ય જયા ઠાકોરને લાફો મારવાની ધમકી આપવામાં આવી હતી.સામાન્ય સભા જેવા જવાબદાર મંચ પરથી મહિલા પ્રતિનિધિને અપાયેલી આ કથિત ધમકીને લઈને ભારે વિરોધ ફાટી નીકળ્યો છે.વિપક્ષી સભ્યોએ આ સમગ્ર વર્તન સામે આક્રોશ વ્યક્ત કરીને મુક્તાબેન શાંતિલાલ પટેલ સામે તાત્કાલિક કાયદેસરની પોલીસ કાર્યવાહી હાથ ધરવા માંગણી કરી છે.આ ઉપરાંત સભામાં બનેલી ઘટનાને પગલે પોતાની સલામતી જોખમાઈ હોવાનું જણાવી વિપક્ષના તમામ સભ્યોને યોગ્ય સુરક્ષા પૂરી પાડવાની માંગ પણ વહીવટી તંત્ર સમક્ષ ઉઠાવવામાં આવી છે.
