આગામી દિવાળીના તહેવારને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓને સરકારે મોટી ભેટ આપી છે. મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો મંજૂર કરાયો છે પણ તે ટૂંક સમયમાં સત્તાવાર જાહેર કરાશે. બીજી તરફ દિવાળીની રજાઓને લઈને પણ સરકારે કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. કર્મચારીઓ માટે દિવાળીના પડતર દિવસની રજા આપવામાં આવી છે. આ રજા અંગે સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. દિવાળીમાં જે રજાઓ જાહેર કરવામાં આવી છે તેમાં વચ્ચે પડતર દિવસ હોવાથી સરકાર દ્વારા કર્મચારીઓને એક રજા આપી છે.
11મી નવેમ્બર સુધી સળંગ મીની વેકેશન
સરકાર દ્વારા પડતર દિવસે આપવામાં આવેલી રજાને કારણે સરકારી કર્મચારીઓને એક અઠવાડિયા જેટલું મીની વેકેશન મળશે. સરકારી કર્મચારીઓને આઠમી નવેમ્બરથી 11મી નવેમ્બર સુધી સળંગ મીની વેકેશન માણવા મળશે. પડતર દિવસની રજાના દિવસની કામગીરી 28 નવેમ્બરના ચોથા શનિવારના રોજ કરવામાં આવશે. 9મી નવેમ્બરના રોજ સરકારી બોર્ડ, નિગમો, મનપા, નગરપાલિકા સહિતની કચેરીઓમાં રજા રહેશે. જ્યારે 28 નવેમ્બરના રોજ આ રજાની કામગીરી ચાલુ રહેશે.ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ રજાને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
