પાટણ જિલ્લાના શંખેશ્વર પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ સમાચાર સામે આવ્યા છે. શંખેશ્વર-પાનવા રોડ પર પૂરઝડપે દોડતી અલ્ટો કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર એક જ પરિવારના માસૂમ સભ્યો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

6 વર્ષીય માસૂમ બાળકીનું મોત

આ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. બાઈક પર સવાર એક જ પરિવારના ચાર સભ્યો આ અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં અકસ્માતના આઘાતજનક બનાવમાં 6 વર્ષીય માસૂમ બાળકી આફિયા મોસીનભાઈ સમાનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. નાની વયની દીકરીના અચાનક અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ મચી ગયો છે.

Patan News: Shankheshwar Accident: 6-Year-Old Girl Killed, 3 Injured in Alto-Bike Crash

ઇજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલ ખાતે રિફર કરાયા

આ ગંભીર અકસ્માતમાં મૃતક બાળકીના માતા-પિતા અને ભાઈ સહિતના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શંખેશ્વરની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની તબીબી સ્થિતિ નાજુક જણાતા વધુ અને વિશેષ સારવાર માટે પાટણની ધારપુર રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાના પગલે બજાણા ગામ અને પરિવારજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.


આ પણ વાંચો: Patan News: હાંસાપુરમાં માતાજીની રમેલમાં ધૂણતા ધૂણતા ભુવાજીનું મોત, ઘટનાનો વીડિયો વાયરલ થયો