ભાવનગર શહેર કોંગ્રેસ સંગઠનમાં મોટો રાજકીય વિવાદ સામે આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદ મામલે થયેલા અન્યાય અને સતત અવગણનાના આક્ષેપ સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના 150 જેટલા હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ એકસાથે સામૂહિક રાજીનામાં આપી દીધાં છે. કાર્યકરોએ પક્ષ કાર્યાલય ખાતે પહોંચીને પોતાનો ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.
શિક્ષણ સમિતિના સભ્યપદની પસંદગી પ્રક્રિયાથી નારાજ
ભાવનગર શહેર કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચતા ભારે હોબાળો મચી ગયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદની પસંદગી પ્રક્રિયામાં કાર્યકરો સાથે થયેલા અન્યાય અને સંગઠન દ્વારા કરવામાં આવતી સતત અવગણનાના કારણે યુવા પાંખમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી.
રાજીનામાના પત્રો સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા
આ અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવવા માટે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના તમામ 150 જેટલા હોદ્દેદારો તેમજ સક્રિય કાર્યકરો એકઠા થયા હતા અને તેમણે એકસૂરે સામૂહિક રાજીનામાં આપવાનો આકરો નિર્ણય લીધો હતો. આ તમામ હોદ્દેદારો પોતાના રાજીનામાના પત્રો સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
પ્રમુખની ગેરહાજરીના પગલે રાજીનામાના પત્રો ચોંટાડી દીધા
કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચેલા રોષે ભરાયેલા હોદ્દેદારો જ્યારે રાજીનામાં આપવા ગયા ત્યારે ત્યાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાજર નહોતા. પ્રમુખની ગેરહાજરીના પગલે કાર્યકરોમાં વધુ નારાજગી ફેલાઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે હોદ્દેદારોએ પોતાના રાજીનામાના પત્રો શહેર કોંગ્રેસ પ્રમુખના ટેબલ ઉપર મૂકી દીધા હતા. આટલેથી ન અટકતાં કાર્યકરોએ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવવા માટે કાર્યાલયની દીવાલો ઉપર પણ રાજીનામાના પત્રો ચોંટાડી દીધા હતા. પક્ષના કાર્યાલયમાં દીવાલો પર રાજીનામાં લાગેલા જોઈને પરિસરમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
ભાવનગર કોંગ્રેસમાં મોટો રાજકીય વિવાદ પેદા થયો
શહેર કોંગ્રેસ પ્રમુખ કાર્યાલય પર હાજર ન હોવાના કારણે આ સામૂહિક રાજીનામાં પક્ષ દ્વારા સ્વીકારાયાં છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ શકી નથી. એકસાથે 150 જેટલા પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા રાજીનામાં આપી દેવામાં આવતાં ભાવનગર કોંગ્રેસમાં મોટો રાજકીય વિવાદ પેદા થયો છે. સંગઠનમાં યુવા પાંખના આ સામૂહિક વિરોધના પગલે અનિશ્ચિતતા સર્જાઈ છે.
આ પણ વાંચો : Kolkata : દુર્ગાપૂજાના પંડાલમાં વરસાદ વચ્ચે મંડપ ધરાશાયી થતાં નાસભાગ, 17ના મોત, 35 ઘાયલ