પોરબંદર જિલ્લાના પ્રખ્યાત બરડા પંથકમાં હવામાનના પલટા સાથે મેઘરાજાની સુખદ પધરામણી થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ખેંચાતાં અસહ્ય ઉકળાટ અને ભેજનું પ્રમાણ વધી ગયું હતું, જેના કારણે ખેડૂતો પોતાના વાવેતર કરેલા પાકને લઈને ભારે ચિંતામાં મૂકાયા હતા. જો કે, આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે બરડા પંથકના અનેક ગામોમાં ધીમી ધારે અને ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસી પડ્યો છે.
પોરબંદરમાં મેઘરાજાની સુખદ પધરામણી થઈ
પોરબંદરના બગવદર, મોઢવાડા, કિંદરખેડા, કેશવ તથા આસપાસના ગ્રામ્ય અને પહાડી સીમ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ અને ખેતરો ભીંજાયા હતા. લાંબા સમયના આ વિરામ બાદ પડેલા વરસાદથી ખાસ કરીને મગફળી, તલ અને અન્ય ચોમાસુ પાકોને મોટો પ્રાણવાયુ મળ્યો છે, જેથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
