પોરબંદર શહેરમાં પવિત્ર તાજીયાના તહેવાર દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણ અને જીવલેણ હુમલાના કેસમાં સ્થાનિક પોલીસે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આશરે એક વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણી બાબતે બંને જૂથો વચ્ચે નાનું-મોટું મનદુઃખ ચાલતું હતું. આ જ જૂની અદાવત અને રાજકીય વૈમનસ્ય રાખીને તાજીયાના દિવસે એક જૂથ દ્વારા ગેરકાયદેસર ટોળું બનાવીને બીજા જૂથના ફરિયાદી નજીર મુસા રાવકુંડા પર પ્રાણઘાતક હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ચકચારી બનાવ અંગે પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપીઓની ધરપકડ, તલવાર સહિતના હથિયારો જપ્ત
કીર્તિમંદિર પોલીસે આ હિંસક ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કેસમાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓમાંથી પોલીસે 7 આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં અઝીમ યુનુસ કાદરી, યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાહી, એઝાઝ નાલબંદ અને યુસુફ ફારૂક મુલતાનીનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ હુમલાખોરો પાસેથી ગુનામાં વાપરવામાં આવેલી તલવાર જેવા ધારદાર અને અન્ય પ્રાણઘાતક હથિયારો પણ કબજે કરી લીધા છે.













