ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) ના સહયોગથી 19 સપ્ટેમ્બર 2026 ના રોજ પોરબંદરના ઐતિહાસિક ચોપાટી બીચ ખાતે "સ્વચ્છ સાગર - સુરક્ષિત સાગર 2026" (SSSS 5.0) વૈશ્વિક થીમ હેઠળ 'આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ (ICC) ડે - 2026' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે ઉજવવામાં આવતી આ વાર્ષિક વૈશ્વિક પહેલ અંતર્ગત કોસ્ટ ગાર્ડ વર્ષ 2006 થી સમગ્ર ભારતમાં દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ અને જાગૃતિ માટે નેતૃત્વ કરી રહ્યું છે.
પોરબંદરમાં યોજાયો આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે
પોરબંદર તેના સમૃદ્ધ દરિયાઈ વારસા, સક્રિય માછીમારી સમુદાય અને સંવેદનશીલ દરિયાઈ જીવસૃષ્ટિ ધરાવતું હોવાથી આ વર્ષની આંતરરાષ્ટ્રીય સફાઈ ઝુંબેશ માટે ગુજરાતના મુખ્ય સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ મહા અભિયાનમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, સામાજિક સંસ્થાઓ (NGO), માછીમાર સંગઠનો, સ્થાનિક નાગરિકો અને સરકારી અધિકારીઓ સહિત 750 થી વધુ ઉત્સાહી સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.
એકત્રિત કચરો પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને કરાયો સુપ્રત
કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ચોપાટી બીચ પર સ્વયંસેવકોના એકત્રીકરણ સાથે થઈ હતી. તમામ સહભાગીઓને ગ્લોવ્સ, ઇકો-ફ્રેન્ડલી ડસ્ટબિન, કેપ્સ અને માસ્ક સહિતની રક્ષણાત્મક કીટ એનાયત કરવામાં આવી હતી. ચોકસાઈપૂર્વક સફાઈ થાય તે હેતુથી સમગ્ર બીચને 6 અલગ-અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. સ્વયંસેવકો અને મહાનુભાવોએ સાથે મળીને દરિયા કિનારે પડેલો પ્લાસ્ટિકનો કચરો, જૂની જાળીઓ, કાચ, ધાતુઓ અને જૈવિક કચરો એકત્ર કરીને અલગ કર્યો હતો.
દરિયાકાંઠેથી આશરે 700 કિલોગ્રામ કચરો દૂર કરાયો
આ અભિયાનના અંતે પોરબંદરના દરિયાકાંઠેથી આશરે 700 કિલોગ્રામ જેટલો નુકસાનકારક દરિયાઈ કચરો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો હતો. એકત્રિત કરાયેલો તમામ કચરો યોગ્ય નિકાલ અર્થે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રતીકાત્મક રીતે સોંપવામાં આવ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના આ સામૂહિક પ્રયાસથી દરિયાઈ પ્રદૂષણ રોકવા અને સ્વચ્છ સાગર પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવવાની કટિબદ્ધતા પુનઃ મજબૂત થઈ છે.
આ પણ વાંચો: Gandhinagar: મનપા ચૂંટણી માટે ભાજપે નિમ્યા ૩ નિરીક્ષકો, આવતીકાલે સેન્સ પ્રક્રિયા બાદ બનશે ઉમેદવારોની પેનલ