ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાની રાજકીય તૈયારીઓ તેજ કરી દીધી છે. મહાનગરપાલિકા માટે લાયક અને વિજેતા ઉમેદવારોની પસંદગી કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા ત્રણ અનુભવી નેતાઓને ચૂંટણી નિરીક્ષક તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે પૂર્ણેશ મોદી, શબ્દ શરણ બ્રહ્મભટ્ટ અને દુષ્યંત પટેલની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા માટે ભાજપ એક્શન મોડમાં

નિમણૂક કરાયેલા આ ત્રણેય નિરીક્ષકો આવતીકાલે સવારે 10:30 થી 12:00 વાગ્યા દરમિયાન ગાંધીનગરના રાયસન, સેક્ટર 16 અને સેક્ટર 28 ખાતે સ્થાનિક દાવેદારો અને કાર્યકરોની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. ચૂંટણી આયોજન મુજબ એક જ સ્થળ પરથી 3 થી 4 વોર્ડ માટે દાવેદારો સાંભળવામાં આવશે અને તેમની દાવેદારી નોંધવામાં આવશે.સવારે યોજાનારી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજના સમયે ભાજપની મહત્વની 'શહેર સંકલન બેઠક'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલન બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા/શહેરના પ્રભારી મંત્રી, શહેર ભાજપ હોદ્દેદારો તેમજ પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

પ્રદેશ ભાજપ દ્વારા 3 ચૂંટણી નિરીક્ષકોની કરાઈ નિમણૂક

સેન્સ દરમિયાન વિવિધ વોર્ડમાંથી કાર્યકરો અને નેતાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા નામોની સંકલન બેઠકમાં બારીકાઈથી સમીક્ષા કરવામાં આવશે. તમામ નામોની વિચારણા કર્યા બાદ પ્રત્યેક બેઠક/વોર્ડ દીઠ 3 દાવેદારોની મજબૂત પેનલ તૈયાર કરવામાં આવશે. આ પેનલ ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને આખરી મંજૂરી અર્થે મોકલી આપવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: NIA એ 17.29 કરોડના નકલી નોટ કૌભાંડમાં વધુ 2 આરોપીની કરી ધરપકડ, આંતરરાજ્ય કાવતરાની તપાસ તેજ