આજે 2 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વ જ્યારે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતી મનાવી રહ્યું છે, ત્યારે તેમના જન્મસ્થળ પોરબંદર સ્થિત ઐતિહાસિક કીર્તિ મંદિર પરિસરમાં વિશેષ ભાવાંજલિ કાર્યક્રમ તેમજ પરંપરાગત સર્વધર્મ પ્રાર્થના સભાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

બાપુના જન્મસ્થાને શીશ નમાવી મુખ્યમંત્રીએ અર્પ્યા શ્રદ્ધાસુમન

આ ગૌરવશાળી પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર પહોંચી ખાસ હાજરી આપી હતી. તેમણે પૂજ્ય બાપુના જન્મસ્થળે જઈ નતમસ્તક થઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શ્રદ્ધાસુમન ન્યોછાવર કર્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા અને સાદગીના સિદ્ધાંતોનું સ્મરણ કરી જણાવ્યું હતું કે બાપુના વિચારો આજે પણ પ્રત્યેક નાગરિક અને દેશના વિકાસ માટે માર્ગદર્શક દીવાદાંડી સમાન છે.

સર્વધર્મ પ્રાર્થના સભામાં ગૂંજ્યા પ્રિય ભજનો

પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી પરિસરમાં આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. કીર્તિ મંદિરના પ્રાંગણમાં તમામ ધર્મોના પવિત્ર ગ્રંથોમાંથી શાંતિપાઠ અને પ્રાર્થનાઓનું પઠન કરી કોમી એકતા અને વિશ્વશાંતિનો દિવ્ય સંદેશ આપવામાં આવ્યો હતો.સભા દરમિયાન મહાત્મા ગાંધીજીના અત્યંત પ્રિય ભજનો ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ અને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ના સુમધુર સૂર ગૂંજી ઉઠ્યા હતા, જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો લીન બન્યા હતા. આ પવિત્ર અવસરે સ્થાનિક પદાધિકારીઓ, પ્રશાસનિક અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી પૂજ્ય બાપુના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો.

આ પણ વાંચો: Aravalli: 10 દિવસમાં બીજી વાર એન્કાઉન્ટર; LCB અને બિશ્નોઈ ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ, આરોપીના પગમાં ગોળી વાગી