સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર જગાવનારા પોરબંદરના અતિચર્ચિત ₹163 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે આ કેસની મુખ્ય આરોપી હીરલબા જાડેજા તેમજ સહ-આરોપી પાર્થ સોંગેલા અને હિતેશ ઓડેદરાને કડક શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે. જોકે, આ કેસમાં જામીન મળી જવા છતાં હીરલબા જાડેજાને હાલ તુરંત જેલમાંથી મુક્તિ મળશે નહીં, કારણ કે તેમની સામે નોંધાયેલા અન્ય ગુનાઓની કાનૂની પ્રક્રિયા હજુ પેન્ડિંગ હોવાથી તેમનો જેલવાસ યથાવત્ રહેશે.

પોરબંદરના ચર્ચિત ₹163 કરોડના સાયબર ફ્રોડ કેસ

 ગુજરાત હાઇકોર્ટે ત્રણેય આરોપીઓને પ્રત્યેકને ₹25,000 ના વ્યક્તિગત બોન્ડ અને તેટલી જ રકમના સધ્ધર જામીન રજૂ કરવાની શરતે મુક્ત કરવાનો હુકમ કર્યો છે.સાયબર ફ્રોડનું નેટવર્ક વિદેશ સુધી ફેલાયેલું હોવાના કારણે આરોપીઓ દેશ છોડીને ભાગી ન જાય તે હેતુથી અદાલતે ત્રણેય આરોપીઓને પોતાના પાસપોર્ટ સંબંધિત ટ્રાયલ કોર્ટ સમક્ષ જમા કરાવી દેવાની સ્પષ્ટ સૂચના આપી છે. હાઇકોર્ટ સમક્ષ આરોપીઓ તરફે જાણીતા એડવોકેટ મુસ્તુફા ભારમાલ તથા એડવોકેટ તરલ ઠાકરે ધારદાર દલીલો રજૂ કરી જામીન અરજી ગ્રાહ્ય રાખવા રજૂઆત કરી હતી.

દોઢ વર્ષથી જેલવાસ: 8 માંથી 5 કેસમાં જામીન મળ્યાનો દાવો

સાયબર ક્રાઇમ અને કરોડો રૂપિયાની નાણાકીય છેતરપિંડીના આરોપસર હીરલબા જાડેજા છેલ્લા દોઢ વર્ષથી જેલના સળિયા પાછળ બંધ છે.બચાવ પક્ષના વકીલો તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે હીરલબા સામે નોંધાયેલા કુલ 8 કેસો પૈકી હવે 5 કેસોમાં નિયમિત જામીન મળી ચૂક્યા છે.જોકે, બાકી રહેલા 3 કેસોમાં હજુ જામીન મળવાના બાકી હોવાથી અને તેની કાનૂની કાર્યવાહી ચાલી રહી હોવાથી, આ 163 કરોડના કેસમાં રાહત મળ્યા છતાં તેઓ જેલની બહાર આવી શકશે નહીં.

આ પણ વાંચો: Ahmedabad: GTU ના પ્રોફેસરે બંધ જર્નલમાં પેપર પધરાવી ખેલ પાડ્યો! ડો. મનીષ ઠક્કર વિરુદ્ધ UGC માં સીધી ફરિયાદ